સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Spread the love

સુરત શહેરમાં વહેલી સવારે ખાબકેલા ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકા (SMC) ની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. થોડા જ કલાકોના વરસાદમાં વેસુ, ઉધના, પાંડેસરા અને ભેસ્તાન સહિતનો આખો વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો હતો. ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી દુકાનો અને કેન્ટીનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેનાથી વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા હતા અને ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે કંટાળેલા સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરી મનપા વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

 

વેસુ અને VIP રોડની દયનીય હાલત: BRTS સ્ટેન્ડ બંધ કરવાની નોબત

 

ફરી એકવાર સુરત શહેર જળબંબાકાર થયું છે. વહેલી સવારે ઉમરા, પીપલોદ, મગદલ્લા, વેસુ, અલથાણ, અઠવાલાઈન્સ, પાલ, અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. આ ધોધમાર વરસાદને કારણે વેસુ-VIP રોડ તો જાણે તળાવમાં ફેરવાઈ ગયો હતો. શ્યામ મંદિર જવાના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તા પર એટલું પાણી હતું કે રાહદારીઓને રસ્તો પાર કરવા માટે BRTS ની રેલિંગ પકડવા મજબૂર થવું પડ્યું હતું. સ્થિતિ એટલી હદે બગડી હતી કે શ્યામ મંદિર BRTS બસ સ્ટેન્ડને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.ભગવાન મહાવીર કોલેજ રોડની પણ આવી જ હાલત હતી. રજા હોવાથી કોલેજ ભલે બંધ હતી, પરંતુ આસપાસના લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા હતા. મુખ્ય રોડ પર આવેલી દુકાનો અને કેન્ટીન આખી પાણી-પાણી થઈ ગઈ હતી. દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા માલસામાનને ભારે નુકસાન થયું છે અને દુકાનદારોને આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિકોનો સીધો આરોપ છે કે મજબૂત ગટર વ્યવસ્થા વિના જ કામગીરી કરાતી હોવાથી દર વર્ષે આ સમસ્યા સર્જાય છે.

 

ભેસ્તાન અને ઉધનામાં ટ્રાફિક જામ, અંડરપાસમાં જીવના જોખમે પસાર થતા લોકો

 

બીજી તરફ ઉધના અને પાંડેસરા વિસ્તારની હાલત પણ અત્યંત દયનીય જોવા મળી. પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસે રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. મનપાની સાફસફાઈના અભાવે એક તરફનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભેસ્તાન વિસ્તારમાં રોડ પર 500 મીટર સુધી ગોઠણસમા પાણી ભરાયા હતા. ભેસ્તાન બાટલી બોય નજીક વાહનો બંધ પડી જતા અનેક વાહનચાલકો અટવાયા હતા અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

 

સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉધના રેલવે સ્ટેશન નજીકના ગરનાળા (અંડરપાસ) ની હતી. આખું ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. ઓફિસે કે કામધંધે જતા લોકોને એક છેડેથી બીજા છેડે જવા માટે જીવના જોખમે આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

 

મહાવીર હાઇટ્સનું બેઝમેન્ટ સ્વિમિંગપૂલ બન્યું, ખાડી પૂરનો ડર

 

VIP રોડ પાસે આવેલા મહાવીર હાઈટ્સના દ્રશ્યો તો ચોંકાવનારા હતા. અહીં જાણે ઝરણા વહેતા હોય તેવું લાગી રહ્યું હતું અને આખી બિલ્ડીંગનું બેઝમેન્ટ સ્વિમિંગપૂલમાં ફેરવાઈ ગયું હતું. વરસાદી પાણી ભરાતા બેઝમેન્ટમાં પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. લોકો પોતાનો માલસામાન બચાવવા માટે વહેલી સવારથી જ ભારે કસરત કરતા જોવા મળ્યા હતા. રોષે ભરાયેલા રહીશોએ બિલ્ડર અને મનપા બંનેનો હુરિયો બોલાવી કાયમી નિકાલની માંગ કરી હતી.

 

આ ઉપરાંત, પાંડેસરા ભેદવાડ ખાડીમાં નવા પાણીની ભારે આવક થતા તે બે કાંઠે વહેતી થઈ છે. જળસ્તર વધવાને કારણે ખાડીકાંઠે આવેલા પ્રેમનગરના રહીશોમાં ખાડીના પાણી ઘરમાં ઘૂસી જવાનો ડર ફેલાયો છે. શહેર ઉપરાંત સુરત જિલ્લાના કામરેજ, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકામાં પણ ધીમી ધારે સારો વરસાદ વરસ્યો છે.તંત્રની નિષ્ક્રિયતાનો સૌથી મોટો વિરોધ વેસુ વિસ્તારમાં જોવા મળ્યો. વેસુની શુભમ ભાર્ગવ આવાસમાં થોડા જ વરસાદમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોની ધીરજ ખૂટી ગઈ હતી. લોકોએ રસ્તા પર ઉતરીને પાણી ભરાયેલા રોડ પર જ બેસીને ચક્કાજામ કરી દીધો હતો. રહીશોએ ‘મહાનગરપાલિકા હાય હાય’ ના નારા લગાવી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

 

સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષથી દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં મનપાના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી અને સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા લોકોને સમજાવીને માંડ-માંડ મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *