મધ્ય પૂર્વ એશિયા માં હોર્મુઝ જળમાર્ગ પર વર્ચસ્વ જમાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ભયાનક અને વિનાશક સ્તરે પહોંચી ગયો છે. શનિવારે બંને દેશોએ એકબીજાના સૈન્ય મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો હતો.
વચગાળાના કરારની પ્રતિબદ્ધતાઓ ઈરાને સ્થગિત કરી
આ ભીષણ યુદ્ધની વચ્ચે કૂટનીતિક સ્તરે પણ મોટો ધડાકો થયો છે.ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝીમ ગરીબાબાદીએ જાહેરાત કરી છે કે અમેરિકા સાથે થયેલા વચગાળાના કરારની પ્રતિબદ્ધતાઓ ઈરાને સ્થગિત કરી દીધી છે, જેનાથી શાંતિની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
અમેરિકી વાયુસેનાએ સળંગ સાતમી રાત્રે હુમલા કર્યા
‘અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ’ ના જણાવ્યા અનુસાર, અમેરિકી વાયુસેનાએ સળંગ સાતમી રાત્રે ઈરાનની સૈન્ય શક્તિને તોડી પાડવા માટે જોરદાર ઓપરેશન ચલાવ્યું હતું. અમેરિકાએ ઈરાનના અંડરગ્રાઉન્ડ હથિયાર ડેપો, મિલિટરી લોજિસ્ટિક્સ અને સર્વેલન્સ સેન્ટરોને તબાહ કરી દીધા છે.
ઈરાને હોર્મુઝ જળમાર્ગ બ્લોક કરી દીધો
આ તરફ જવાબી કાર્યવાહીમાં ઈરાનની ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) એ પણ યુદ્ધની તીવ્રતા વધારી દીધી છે અને જે દેશોમાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે તેમને ગંભીર પરિણામો ભોગવવાની કડક ચેતવણી આપી છે. આ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બ્લોક કરી દીધો છે, જે વૈશ્વિક તેલ બજાર માટે મોટો ઝટકો છે.
કુવેત અને અન્ય આરબ દેશો હાઈ એલર્ટ પર
શનિવારે આ યુદ્ધની સૌથી મોટી અને માઠી અસર કુવેત પર જોવા મળી હતી. ઈરાને કુવેતના દરિયાઈ પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ (ડીસેલનેશન પ્લાન્ટ) અને એક મોટા ઓઈલ કલેક્શન સેન્ટર પર મિસાઈલ હુમલા કર્યા હતા. કુવેત પોતાની 90% પીવાના પાણીની જરૂરિયાત આ પ્લાન્ટ્સથી પૂરી કરે છે, જેના પર બે દિવસમાં આ બીજો હુમલો છે. હુમલાના કારણે વીજ ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મિસાઈલના જોખમને પગલે કુવેતે પોતાનું એરસ્પેસ પણ બંધ કરવું પડ્યું હતું. બીજી તરફ, ઈરાકની સેનાએ એરબિલમાં ડ્રોન તોડી પાડ્યા છે અને જોર્ડને પણ ઈરાનની મિસાઈલો હવામાં જ તોડી પાડી છે. સાઉદી અરેબિયા અને બહેરીનમાં પણ સતત સાયરન વાગી રહ્યા છે, જેનાથી સમગ્ર મિડલ ઈસ્ટમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.
