આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ (Girl kidnapped from Vasad railway platform) કરી દુષ્કર્મ આચર્યા બાદ રેલવે ટ્રેક પર ફેંકી દઈ હત્યા કરનારો આરોપી પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયો છે. બાળકીના અપહરણ-દુષ્કર્મ-હત્યા કેસમાં પકડાયેલા આરોપી સુરેશ પરમારને આણંદ એલસીબી ટીમ (Anand LCB Team) એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહી હતી ત્યારે ઊલટીનું બહાનું કાઢી આરોપીએ પોલીસ વાન ઉભી રખાવી હતી.દરમિયાનમાં સુરેશે પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પા વડે બે પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરતા પીએસઆઈ આઈ.જે. રાણાએ બે રાઉન્ડ ફાયર (PSI I J Rana fired two rounds) કરતા આરોપી ઘાયલ થયો હતો. ઘાયલ પોલીસવાળા અને આરોપીને કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સુરેશ પરમારનું મોત (Suresh Parmar dies in police encounter) થયું છે. આ મામલે આંકલાવ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી આરંભી છે. અત્રે નોંધનીય છે કે, આરોપી સુરેશ સામે અગાઉ પણ દુષ્કર્મનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે.
ગત 18 જુલાઈની રાતે વાસદ રેલવે પ્લેટફોર્મ ઉપર આવેલા મુસાફરખાનામાં સૂઈ રહેલી બે બાળકીઓ પૈકી એકનું અપહરણ થાય છે. સાડા ચાર વર્ષની બાળકીના અપહરણની તેના માતા-પિતા જાહેરાત કરતા રેલવે પોલીસે ફરિયાદ નોંધવાની સાથે સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખસ અપહરણ કરતા દેખાય છે. બીજા દિવસે 19 જુલાઈની સવારે રેલવે ટ્રેક ઉપરથી બાળકીનો ટ્રેન નીચે કપાયેલો મૃતદેહ મળી આવે છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી સુરેશ પરમાર (રહે.રઢુપુરા બાંધણી, જિ.આણંદ) બોરસદ રૂરલ પોલીસને હાથ લાગતા તેની ધરપકડ કરવામાં આવે છે. આજે સવારે સુરેશ પરમારને જિલ્લા એલસીબીના પીએસઆઈ આઈ.જે. રાણા સહિતનો સ્ટાફ પોલીસ વાહનમાં લઈને આણંદ તરફ જતા હોય છે ત્યારે કંથારિયા રોડ ઉપર સુરેશ ઊલટી આવતી હોવાનું બહાનું કાઢી પોલીસ વાન રોકાવે છે. પોલીસ વાન રોકાતા મોકાનો લાભ લઈને સુરેશ પરમાર તેની પાસે છુપાવી રાખેલા ચપ્પા વડે બે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરે છે. જે હુમલામાં ASI મહિપાલસિંહ જગદીશસિંહ અને HC રાજવીરસિંહ ઘનશ્યામભાઈ ઘાયલ થાય છે. એલસીબી પીએસઆઈ રાણા સુરેશને ચેતવણી આપે છે, પરંતુ આરોપી કાબૂમાં નહીં રહેતા PSI Rana બે રાઉન્ડ ફાયરિંગ કરતા સુરેશ ગંભીર રીતે ઘાયલ થાય છે. ઘાયલ આરોપી અને બે પોલીસ કર્મચારીઓને કરમસદ ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ જવાય છે. જ્યાં આરોપીનું મોત થાય છે.
