મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ વિસ્તારમાંથી એક સનસનીખેજ અને રુંવાડા ઊભા કરી દેતી મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક બંધ ફ્લેટના બાથરુમમાં રાખેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી એક યુવકની સડેલી અને ટુકડામાં કપાયેલી લાશ મળી આવી છે. પોલીસને શંકા છે કે, આ ખતરનાક ઘટનાને યુવકની પ્રેમિકાએ અંજામ આપ્યો છે, જે પુરાવાનો નાશ કરવા માટે બાથરુમનો નળ ખુલ્લો રાખી કોલકાતા ભાગી ગઈ.ઘટના બાદ મલંગ રોડ સ્થિત નીલકંઠ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓમાં ભારે ડરનો માહોલ છે.
બંધ ફ્લેટમાંથી આવી રહી હતી ભયંકર દુર્ગંધ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા બે-ત્રણ દિવસથી સોસાયટીના લોકો ફ્લેટમાંથી આવી રહેલી તેજ દુર્ગંધથી પરેશાન હતા. જ્યારે દુર્ગંધ સતત વધતી ગઈ તો પાડોશીઓએ તેની સૂચના માનપાડા પોલીસને આપી.
સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, તો ફ્લેટનો દરવાજો બહારથી બંધ હતો. પોલીસે જ્યારે તાળું ખોલી અંદર તલાશી લીધી તો આખો મામલો સામે આવ્યો. બાથરુમની અંદર રાખેલા એક ડ્રમની અંદર બોરી રાખેલી હતી. પોલીસે જ્યારે આ બોરી ખોલી તો તેમાંથી એક યુવકની કપાયેલી હાલતમાં લાશ મળી આવી. જે એકદમ સડી ચૂકી હતી.
પુરાવાનો નાશ કરવાનું કાવતરું
પોલીસની શરુઆતી તપાસમાં જે વાત સામે આવી છે, તે ખૂબ જ ચોંકાવનારી છે. શરુઆતી તપાસ અનુસાર, યુવક પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી અને પછી ગુનો છુપાવવા માટે લાશના કેટલાય ટુકડા કરી તેને ડ્રમમાં ભરી દીધા.
આરોપી મહિલાએ મર્ડર કર્યા બાદ બાથરુમનો નળ જાણી જોઈને ખુલ્લો રાખી દીધો. પોલીસનું માનવું છે કે પાણી સતત વહેતું રાખવા પાછળ બે મોટા કારણો હોઈ શકે. એક તો આ પાણીથી લોહીના બધા ડાઘા અને ફોરેન્સિક પુરાવા જતા રહે અને બીજું આ પાણીના કારણે લાશ જલદી ઓગળી જાય.
મકાન માલિકને વોઈસ મેસેજ મોકલીને લાશની જાણકારી આપી
તપાસ દરમિયાન પોલીસને એક મહત્ત્વનો સુરાગ મળ્યો. આરોપી મહિલાએ શહેર છોડવા અને ફરાર થવાની ઠીક પહેલા પોતાના મકાન માલિકને એક વોઈસ મેસેજ મોકલ્યો હતો.
આ મેસેજમાં તેણે મકાન માલિકને જણાવ્યું હતું કે ફ્લેટના બાથરુમમાં એક લાશ પડી છે અને તેણે ત્યાંનો નળ ચાલૂ રાખી દીધો છે. આ ચોંકાવનારા મેસેજ બાદ મકાન માલિક અને પાડોશીઓના હોશ ઉડી ગયા અને તેમણે પોલીસને બોલાવી.
તપાસ કરવા માટે કોલકાતા રવાના થઈ પોલીસની સ્પેશિયલ ટીમ
માનપાડા પોલીસે આ મામલામાં હત્યા અને પુરાવાનો નાશ કરવાના કલમો અંતર્ગત કેસ નોંધી લીધો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે એક સ્પેશિયલ ટીમને તરત આરોપી મહિલાની લોકેશન ટ્રેસ કરી તેની ધરપકડ કરવા માટે કોલકાતા રવાના કરી દીધી છે.
અધિકારીઓનું કહેવું છે કે, શરુઆતી તપાસમાં આ જાણી જોઈને કરેલી હત્યા લાગી રહી છે. પોલીસ હવે મૃત યુવક અને આરોપી મહિલાના સંબંધના પાસાને ખંગાળી રહી છે કે આખરે આ નિર્દયતાપૂર્વક હત્યા કરવાના પાછળનો અસલી ઉદ્દેશ્ય શું હતો, તે જાણવાની કોશિશ કરી રહી છે. આ સમગ્ર કાંડનો ખુલાસો મહિલાની ધરપકડ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.
