સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતને મળશે વેગ: 1,141 શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતીનો નિર્ણય

Spread the love

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રમતગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ અને શારીરિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શિક્ષણ વિભાગે 501થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 1,141 સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની નવી જગ્યાઓ ઊભી કરવાનો ઠરાવ કર્યો છે.શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર પ્રથમ તબક્કામાં આ તમામ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યની અન્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ જરૂરિયાતના આધારે વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવા અંગે ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

 

વ્યાયામ શિક્ષકોની ભરતી માટે યોગ્ય લાયકાત અને ભરતીના ધોરણો નક્કી કરવા શિક્ષણ વિભાગે વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત, ભરતીની પ્રક્રિયા તેમજ અન્ય જરૂરી નિયમો અંગે વિગતવાર અભ્યાસ કરીને સરકારને ભલામણો કરશે.

 

સમિતિની પ્રથમ બેઠક આગામી 28 જુલાઈ, 2026ના રોજ બપોરે 12 વાગ્યે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે યોજાનાર છે. સમિતિમાં શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત શારીરિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભાષા શિક્ષણ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડીન, જિલ્લા શિક્ષણાધિકારીઓ, રાજ્ય શારીરિક શિક્ષણ નિરીક્ષક તેમજ ડાયેટના લેક્ચરર અને રિસર્ચ એસોસિયેટ જેવા સભ્યોનો સમાવેશ થાય છે.

 

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે અને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ગુણવત્તાયુક્ત શારીરિક શિક્ષણ અને નિયમિત તાલીમનો લાભ મળશે. સમિતિનો અહેવાલ સરકારને સોંપાયા બાદ વ્યાયામ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા અને તેના અંતિમ માપદંડો જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *