રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા

Spread the love

નીટ કૌભાંડ અને પેપર લીક મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કેન્દ્ર સરકાર સામે મોર્ચો માંડ્યો: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પર પોલીસ કાર્યવાહીના મુદ્દે હોબાળો કર્યો

 

નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરમાં પેપર લીકના વિવાદને લઈને કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ મોટો મોર્ચો ખોલ્યો છે.રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકાર અને શિક્ષણ મંત્રી સામે વિરોધ પ્રદર્શન કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

હોબાળાના કારણે લોકસભાની કામગીરી સવારે 11 વાગ્યે શરૂ થયાના એક મિનિટ પછી જ સ્થગિત કરી હતી. બપોરે 12 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું, પરંતુ આશરે 5 મિનિટ પછી ફરીથી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. રાજ્યસભાની કામગીરી પણ 3 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.કોંગ્રેસના આ મોટા વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવાનો અને કડક સંદેશ આપવાનો છે. પાર્ટીના તમામ સાંસદોએ એકજૂથ થઈને પોતાની રણનીતિ મુજબ વિરોધ નોંધાવ્યો હતો. કાળા કપડાં પહેરીને સંસદ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ હિંસાની વિરુદ્ધમાં છે અને તેમની વિચારધારા હિંસાને ક્યારેય સહન કરતી નથી.

 

કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે તમામ વિપક્ષી સાંસદો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને નેતાઓ પર થયેલા પોલીસ બળપ્રયોગના વિરોધમાં કાળા કપડાં પહેરીને આવ્યા છે. વિપક્ષની માંગ છે કે સરકાર પોતાનું હઠાગ્રહ છોડીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરે. અન્ય એક કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે શું વિપક્ષ આવી બર્બરતા પર ચૂપ બેસી રહે?આ વિરોધ પ્રદર્શન પહેલાં કોંગ્રેસ નેતાઓએ રાજાજી માર્ગથી લોક કલ્યાણ માર્ગ સુધી માર્ચ કાઢી હતી. તેમણે પરીક્ષાના પેપર લીક, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. માર્ચ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તેમને છત્રસાલ સ્ટેડિયમથી મુક્ત કરવામાં આવ્યા હતા.અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને ડરપોક ગણાવી હતી. તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ અને વી. ડી. સતીશન સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

 

ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

 

રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ પહોંચ્યા. વિપક્ષી પક્ષો 20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી, પેપર લીક અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને સતત વિરોધ કરી રહ્યા છે.જેને લઇ લોકસભામાં હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *