Gandhinagar News: મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને કહ્યું, કોઈપણ કાર્યવાહીનો કાગળ પર નિકાલ નહિ ચાલે

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે આગવી સંવેદનશીલતા દર્શાવીને મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા હતા.જિલ્લા-તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો પેપર પર નિકાલ નહિ પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી.મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરીને પૈસા અપાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ભાવનગરના પાલિતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરીને અરજદારને યોગ્ય ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીની તાકીદ કરી હતી.કોઈપણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોના 100 ટકા નિકાલ માટે કલેક્ટરો ઈનિશ્યેટિવ લે તે માટે સૂચન કર્યું હતું.

 

અરજીના નિકાલ કરી 1 મહિનામાં રિપોર્ટ આપવા આદેશ

 

પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા.જે પ્રશ્નો નિવારી શકાય તેમ ન હોય તો તેની સાચી અને સ્પષ્ટ સમજ અરજદારને આપવા અને વિભાગો વચ્ચેના પત્ર વ્યવહારથી સમસ્યા વધુ જટીલ ન બનાવવા જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ગૌચર જમીનો પરના દબાણોના કિસ્સામાં માપણી ફી સરકાર ભરે તે માટેના સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેકટરો સમક્ષ છેલ્લા 6 માસમાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પરંતુ જે-તે વિભાગ દ્વારા ગંભિરતા પૂર્વક ધ્યાન ન અપાયું હોય તેવા પ્રશ્નોનો રજૂઆત કર્તાના પરામર્શમાં ઉકેલ લાવીને તા. 31 જુલાઈ સુધીમાં અહેવાલ આપવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *