ડોક્ટર દંપતીના ઘરમાં 53.88 લાખની ચોરીનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો: વિદ્યાર્થિનીએ જ રચ્યો હતો દાગીના ચોરીનો માસ્ટરપ્લાન! 💍💰

Spread the love

ગાંધીનગરના સેક્ટર-4માં રહેતા એક ડોક્ટર દંપતીના બંધ મકાનને થોડા દિવસો અગાઉ નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમે ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા 563 ગ્રામ વજનના ₹ 53.88 લાખની માતબર રકમના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે ગાંધીનગર પોલીસે તપાસનો દોર હાથ ધરી આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર પીજીની વિદ્યાર્થિનીને સોના-ચાંદીના દાગીના સાથે દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

 

દંપતી અમદાવાદ રોકાવા ગયું હતું

 

શહેરના સેક્ટર-4Dના પ્લોટ નંબર-1359/2માં રહેતા 45 વર્ષીય પ્રોફેસર ડો. હેમલતાબેન નારસિંહભાઈ ચૌધરી અને તેમના પતિ ડો.રવિ નરેન્દ્રભાઇ અગ્રવાલના બંધ મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી. 17 જુલાઈ, 2026ના રોજ ડો. રવિ અગ્રવાલ નોકરી પર ગયા બાદ અમદાવાદ રોકાયા હતા. જ્યારે 18 જુલાઈના રોજ બપોરે હેમલતાબેન પણ મકાન બંધ કરીને અમદાવાદ પતિ પાસે ગયા હતા.

 

53.88 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

 

19 જુલાઈના રોજ સવારે દંપતી પરત આવ્યું ત્યારે ઘરની લાઈટો ચાલુ હતી અને ગેલેરીનો દરવાજો ખુલ્લો હોવાથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. અજાણ્યા ઈસમે પ્રથમ માળના બેડરૂમના કબાટમાંથી લગ્ન, ભેટ તેમજ પરિવારો તરફથી મળેલા સોનાની ચેઈન, બંગડી, વીંટી, સેર, બટ્ટી, પેન્ડલ, માળા, ડોકિયું અને મંગળસૂત્ર સહિત આશરે 50 તોલા તથા 24 ગ્રામ ચાંદી મળી ₹ 53.88 લાખના દાગીના ચોરી કર્યાં હતા.

 

પોલીસ તપાસમાં શંકાસ્પદ મહિલાની ગતિવિધિ મળી ચોરીના આ બનાવની ગંભીરતા ધ્યાને રાખી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ 1-2 અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમોનું ગઠન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળ નજીકના રસ્તાઓ, શંકાસ્પદ માણસોની અવરજવર તેમજ સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત અદ્યતન સોફ્ટવેર અને ટેકનોલોજીની મદદથી ઘટનાસ્થળ નજીક એક શંકાસ્પદ મહિલાની ગતિવિધિ CCTV અને ટેકનિકલ સોર્સ શોધી કાઢવામાં આવી હતી.

 

વિદ્યાર્થિની ઝડપાઈ, ચોરીના દાગીના મળ્યા બાદમાં શંકાસ્પદ મહિલાના ફોટોગ્રાફ્સના આધારે આજુબાજુના રહેણાંક મકાનો, હોસ્ટેલ તેમજ PGમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પથિકાશ્રમ બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવી પોતાના વતન તરફ ભાગી જવાની ફિરાકમાં ઉભેલી શંકાસ્પદ મહિલાને તાત્કાલિક ઝડપી પાડવામાં આવી હતી. જે વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યું. તેની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી ચોરીના તમામ સોનાચાંદીના દાગીના મળી આવ્યા હતા.

 

અભ્યાસ માટે લોન લીધી, હપ્તા ન ભરી શકતા ચોરી કરી

 

આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, વિદ્યાર્થિની આરોપીનું નામ વિહા છે. જે મૂળ મધ્યપ્રદેશની વતની છે અને ગાંધીનગર સેક્ટર-5માં પી.જી.માં રહી અભ્યાસ કરે છે. જેની પૂછપરછમાં ગુનાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. અભ્યાસ માટે પૈસાની જરૂરિયાત હોવાથી યુવતીએ પોતાની સોનાની વીંટી ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મૂકી લોન લીધી હતી. તે લોનના માસિક હપ્તા ભરી શકતી ન હોવાથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

 

PGથી જતા-આવતા દંપતીના ઘરની રેકી કરી હતી

 

દરરોજ PGથી જતી વખતે તે આ ડોક્ટર દંપતીના ઘર આગળથી પસાર થતી હોવાથી તેણે મકાન કયા

સમયે બંધ રહે છે તેની રેકી કરી હતી. બનાવની રાત્રે યુવતી મકાનની પાછળના ભાગેથી શેડ ઉપર ગઈ હતી.

 

પરંતુ ઘર બંધ હોવાથી આખી રાત શેડ પર જ સૂઈ રહી હતી. બાદમાં સવારે ડોક્ટર દંપતી પરત આવ્યા એટલે ઘર ખોલતાં જ છુપી રીતે ઘરમાં સંતાઈ ગઈ હતી. ત્યારબાદ દંપતી નોકરી પર ગયું કે તરત જ તેણે સોના-ચાંદીના દાગીના બેગમાં ભરી ચોરીને અંજામ આપ્યો હતો. જેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *