કોરોના મહામારીના કપરા સમયમાં ફરજ બજાવતાં કોવિડ-19ના સંક્રમણથી જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના 115 કર્મચારીઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ.25-25 લાખની એક્સ-ગ્રેશિયા સહાય ચૂકવવામાં આવશે. આ અંતર્ગત કુલ રૂ.28.75 કરોડની સહાય આપવામાં આવશે. સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કરવામાં આવશે.
કર્મચારી-અધિકારીઓ કોવિડ-19થી સંક્રમિત થયા હતા કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21માં GSRTCએ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. GSRTC દ્વારા ત્રણ રાજ્યોમાં કુલ 22,953 ટ્રિપ્સનું સંચાલન કરીને 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન GSRTCના અનેક કર્મચારીઓ અને અધિકારીઓ કોવિડ-19થી સંક્રમિત થયા હતા.39 ડ્રાઇવર અને 31 કંડક્ટર સહિત 115 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો
આ દરમિયાન ફરજ બજાવતાં કુલ 115 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે. હવે આ તમામ મૃતક કર્મચારીઓને કોરોના વોરિયર તરીકે ગણવામાં આવ્યા છે અને તેમના કાયદેસરના વારસદારોને રૂ.25 લાખની સહાય આપવામાં આવશે.
કર્મચારીઓના વારસદારોને રૂ.25 લાખની સહાય આપવાનો નિર્ણય
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન GSRTCના કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના પ્રવાસી શ્રમિકો અને મજૂરોને સુરક્ષિત રીતે તેમના વતન પહોંચાડવાની કામગીરી કરી હતી. આ રાહત કામગીરી દરમિયાન 115 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. કર્મચારીઓની ફરજ દરમિયાન કોવિડ સંક્રમણથી થયેલા મૃત્યુની ઓળખ માટે કોર્પોરેશન દ્વારા રચાયેલી સમિતિએ વિગતવાર ચકાસણી કર્યા બાદ પાત્ર કર્મચારીઓના કાયદેસરના વારસદારોને રૂ.25 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
GSRTC નિગમના કર્મચારીઓના પરિવારજનોને સહાય
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતાં રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીનું કોવિડથી મૃત્યુ થાય તો તેમના પરિવારને કોરોના વોરિયર તરીકે સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, GSRTC નિગમ હોવાથી તેના કર્મચારીઓના પરિવારજનોને આ સહાયનો લાભઆપવા અંગે પ્રક્રિયાત્મક આંટીઘૂંટી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દાને સંવેદનશીલતાથી ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવતાં GSRTCના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી કર્મચારીઓ સહિત 115 મૃતક કર્મચારીઓને કોરોના વોરિયર ગણી તેમના પરિવારજનોને રૂ.25 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નિગમ દ્વારા દરરોજ 8,000થી વધુ બસોનું સંચાલન હાલ GSRTC રાજ્યના જાહેર પરિવહનની કરોડરજ્જુ સમાન છે. નિગમ દ્વારા દરરોજ 8,000થી વધુ બસોનું સંચાલન કરવામાં આવે છે અને 34 લાખ કિલોમીટરથી વધુનું દૈનિક સંચાલન કરીને 27 લાખથી
વધુ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. કોરોના કાળમાં પણ જાહેર પરિવહન વ્યવસ્થા અને રાહત કામગીરીને ચાલુ રાખવામાં GSRTCના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક તથા અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરકારે હવે તેમના બલિદાનને સન્માન આપતાં પરિવારજનોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
