અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU), કસ્ટમ્સે અબુધાબીથી આવેલા મુસાફરો મારફતે સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઇટ નં 3L111 દ્વારા આવેલા આઠ મુસાફરોની તપાસ દરમિયાન 1.14 કરોડની કિંમતના કુલ 770.33 ગ્રામ 24 કેરેટના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે સામે આવેલા મહેસાણા જિલ્લાના લીંચ ગામના ટ્રાવેલ એજન્ટ પંકજ પટેલની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છે.કસ્ટમ્સને ચોક્કસ બાતમી મળતાં એરપોર્ટ પર મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક મુસાફરોના ખિસ્સામાં પ્લાસ્ટિકમાં છુપાવી રાખેલા ગોલ્ડ ચેઇન, પેન્ડન્ટ, બુટ્ટી, મંગળસૂત્ર અને મણકાની માળા સહિતના 24 કેરેટના સોનાના દાગીના મળી આવ્યા હતા. તમામ દાગીનાનું કુલ વજન 770.33 ગ્રામ હતું. આ તમામની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મુસાફરોએ જણાવ્યું કે તેઓ પંકજ પટેલ મારફતે અબુધાબી ગયા હતા. મુસાફરોના જણાવ્યા મુજબ પંકજ પટેલે તેમની ટિકિટોની વ્યવસ્થા કરી હતી અને પરત ફરતી વખતે દરેકને સોનાના દાગીના આપીને ભારતમાં લાવવા જણાવ્યું હતું. તેના બદલામાં પ્રતિ મુસાફર 7 હજારથી 10 હજાર સુધીનું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી.
મુસાફરોના નિવેદનના આધારે કસ્ટમ્સ વિભાગે પંકજ પટેલની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન વધુ એક મહત્વનો ખુલાસો થયો છે કે પંકજ પટેલ અગાઉ કસ્ટમ્સ દ્વારા ઝડપાયેલા મહેસાણાના કિરીટ પટેલ સાથે પણ સંકળાયેલો હતો. કિરીટ પટેલ માટે પેસેન્જરો તૈયાર કરવા અને તેમની ટિકિટ બુકિંગ કરાવવા બદલ પંકજ પટેલ મુસાફર દીઠ 3 હજારનું કમિશન લેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કસ્ટમ્સ વિભાગે મહેસાણાના રાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક કિરીટ પટેલની ધરપકડ કરીને 3.50 કરોડનું સોનું જપ્ત કર્યું હતું. તે કેસમાં પણ બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કિરીટ પટેલની ધરપકડ બાદ પણ પંકજ પટેલ મહેસાણા અને આસપાસના વિસ્તારના લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી તેમની ટિકિટો રાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મારફતે બુક કરાવતો રહ્યો હતો અને દાણચોરીનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું. કસ્ટમ્સ વિભાગે હવે આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે, અગાઉ કેટલી વખત આવી રીતે સોનાની દાણચોરી કરવામાં આવી છે અને વિદેશમાં બેઠેલા સપ્લાયરો સાથેના કનેક્શન અંગે વધુ તપાસ શરૂ કરી છે.
શર્ટના કોલરમાં છુપાવી લવાયેલી 19 લાખની ગોલ્ડ પેસ્ટ જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ 22 જુલાઈના રોજ દુબઈથી ફ્લાઇટ નંબર 6E-1478 મારફતે આવેલા બે પુરુષ મુસાફરોને ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંનેએ પોતાના શર્ટના કોલરની અંદર ચાલાકીપૂર્વક ગોલ્ડ પેસ્ટ છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ગોલ્ડ પેસ્ટને 24 કેરેટના TT બારમાં રૂપાંતરિત કરવામાં આવ્યું, જેનું કુલ નેટ વજન 129.18 ગ્રામ અને બજાર કિંમત 19,48 લાખ થાય છે.