અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે સમગ્ર શહેરમાં આભ ફાટ્યું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ 11.63 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ અને સાઉથ વેસ્ટ ઝોનમાં વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે, જ્યાં ઝોનનો સરેરાશ વરસાદ 16. 87 ઇંચ નોંધાયો છે.અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાતે પહોંચી રહ્યા છે. તેઓ શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા રખિયાલ અને ગોમતીપુરમાં ભરાયેલા પાણી અને સ્થાનિકોની સમસ્યાઓનો તાગ મેળવવા માટે રૂબરૂ પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ અસરગ્રસ્ત નાગરિકો સાથે વાતચીત કરી તેમની હાલાકી જાણશે તથા સ્થાનિક પ્રશાસન સાથે રાહત અને પાણી નિકાલની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી ઝડપી કામગીરી માટે નિર્દેશ આપશે.
રાજ્યના DGPએ SEOCની મુલાકાત લીધી! નાગરિકોને વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ
રાજ્યમાં સર્જાયેલી વરસાદી આફત વચ્ચે રાજ્યના DGPએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. DGPએ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને લોકોને શનિ-રવિમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. આ ઉપરાંત, જળબંબાકાર વચ્ચે અમદાવાદ શહેરમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવા અને ટ્રાફિક ક્લિયર કરાવવા માટે વધારાનો પોલીસ કાફલો રસ્તા પર તૈનાત કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદની શાળા-કોલેજોમાં આવતીકાલે પણ રજા જાહેર! આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે
અમદાવાદમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અને હવામાન વિભાગની આગામી કડક આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે શનિવારે (25 જુલાઈ) શહેરની તમામ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં શહેરની તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વરસાદી આફત અને જળબંબાકાર વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્રે આ સુરક્ષાત્મક પગલું ભર્યું છે.
અમદાવાદમાં જળબંબાકારથી શાકભાજી-દૂધનો સપ્લાય ખોરવાયો!
અમદાવાદમાં ભારે વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ સુધી ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતાં પરિસ્થિતિ વણસી રહી છે. જળબંબાકારની સીધી અસર હવે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠા પર પડી છે. દૂધ, બ્રેડ અને શાકભાજી વહન કરતા વાહનો સમયસર પાણી ભરાયેલા વિસ્તારો સુધી પહોંચી શકતા નથી. તેના કારણે શાકભાજી મંડળીઓ અને સ્થાનિક વેપારીઓ પાસે માલસામાન ખૂટી રહ્યો છે, જ્યારે નાગરિકો માટે દૈનિક જરૂરિયાતો મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. દૂધ-શાકભાજીની તંગી અને વિલંબના કારણે સ્થાનિકો તેમજ નાના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વરસાદ વિરામ છતાં અમદાવાદમાં જળબંબાકાર યથાવત!
અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ન ઓસરતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લાચારી સામે આવી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી આ સ્થિતિ અંગે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી. શહેરમાં કુલ 126 માંથી હજુ પણ 79 સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, જેમાંથી મોટાભાગની પશ્ચિમ અમદાવાદની સોસાયટીઓ છે (તંત્રે માત્ર 47 સોસાયટીઓમાં જ કામગીરી પૂર્ણ કરી છે). આ ઉપરાંત, શહેરના 69 જેટલા મુખ્ય માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા રહેતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.વિરમગામ પંથકમાં મેઘરાજાએ સાંબેલાધાર આક્રમણ કરતાં માત્ર ગણતરીના સમયમાં 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને 450થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભારે આવકને કારણે ઐતિહાસિક ગંગાસર તળાવ ઓવરફ્લો થતાં પાણીના ઝડપી નિકાલ માટે તંત્રે તાકીદે રસ્તો તોડીને માર્ગ બનાવવાની ફરજ પડી છે.
વરસાદી આફત વચ્ચે ભાજપ કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ શરૂ! મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીધી મુલાકાત
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ કાર્યાલય ખાતે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપના નેતા અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ કંટ્રોલ રૂમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને નાગરિકો તરફથી મળતી ફરિયાદો તેમજ તેના નિકાલ અંગેનો વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. વરસાદી પાણી અને હાલાકી અંગેની સામાન્ય જનતાની સમસ્યાઓ ઝડપથી ઉકેલાય તે માટે તેમણે સંબંધિત સરકારી તંત્ર અને સ્થાનિક હોદ્દેદારોને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા સખત સૂચનાઓ આપી છે.
અમદાવાદનું હેલ્મેટ સર્કલ જળબંબાકાર! 24 કલાક બાદ પણ પૂર જેવા દ્રશ્યો, વાહનો બંધ પડ્યા
અમદાવાદ શહેરના મહત્વના ગણાતા હેલ્મેટ સર્કલ વિસ્તારમાં વરસાદ થંભી ગયાના 24 કલાક બાદ પણ પૂર જેવા પાણી ભરાયેલા રહેતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાણીના ભારે ભરાવાને કારણે રસ્તા પરથી પસાર થતાં અનેક વાહનો બંધ પડી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસે બંધ પડેલા વાહનોને ટોઇંગ કરીને હટાવવાની ફરજ પડી હતી. દર વર્ષની આ ગંભીર સમસ્યા છતાં કોઈ કાયમી નિરાકરણ ન આવતાં અને કરોડો રૂપિયાનું પ્રી-મોન્સૂન બજેટ માત્ર કાગળ પર જ રહ્યું હોવાના દ્રશ્યો સામે આવતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેનાએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે. સધર્ન કમાન્ડ હેઠળ આર્મી દ્વારા HADR ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે રિલિફ, રેસ્ક્યૂ, એન્જિનિયરિંગ તેમજ મેડિકલ ટીમોને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.
ગુરુકુળમાં દુકાનોમાં કમરડૂબ પાણી! વેપારીઓને લાખોનું નુકસાન, AMC સામે ભારે રોષ
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભયાનક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી દુકાનોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા વેપારીઓનો લાખો રૂપિયાનો માલસામાન પલળીને બગડી ગયો છે. વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે નવા રોડ-રસ્તા બનાવવામાં આવ્યા હોવા છતાં ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે પ્રી-મોન્સૂન કામગીરીના તમામ દાવા પોકળ સાબિત થયા છે. “30 વર્ષથી આ જ સમસ્યા છે અને અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ, છતાં કોર્પોરેશન તરફથી કોઈ જ સુવિધા કે મદદ મળતી નથી” તેમ કહી સ્થાનિક વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વરસાદ બાદ ભયાનક સ્થિતિ સર્જાઈ છે. દાણીલીમડાના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકો બેહાલ બન્યા છે. પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે પોતાનો જીવ અને કિંમતી સામાન બચાવવા માટે લોકો ઘરના માળિયા પર ચડવા મજબૂર બન્યા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે દાણીલીમડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થાનિકોની મદદે પહોંચી છે. પોલીસ દ્વારા પાણી વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલો પહોંચાડવામાં આવી રહી છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારમાં રાહત તથા રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ, મેસમાં પણ જળબંબાકાર
અમદાવાદમાં આફતના વરસાદ બાદ શિક્ષણના ધામ પણ સુરક્ષિત નથી રહ્યા. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ચોતરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એટલી દયનીય બની છે કે હોસ્ટેલની અંદર આવેલી મેસમાં પણ પાણી ઘૂસી જતાં ચારેકોર જળબંબાકાર છવાયો છે. ભોજનશાળામાં પાણી ભરાયેલા હોવા છતાં વિદ્યાર્થીનીઓ પાણીની વચ્ચે જ ઊભા રહીને જમવા માટે મજબૂર બની છે. યોગ્ય સફાઈ અને પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર સામે યુવતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલે બોપલના પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ,
અમદાવાદના બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની ગંભીર સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ અને પોલીસ કમિશનર સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. તેમણે ભારે વરસાદથી અતિપ્રભાવિત બોપલના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોશ ગણાતા ‘સેન્ટોસા પાર્ક’ના કરોડો રૂપિયાના બંગલાઓમાં ૫થી 6 ફૂટ પાણી ભરાઈ જતાં સ્થાનિકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. અતિ વિકટ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ આશરે 20 જેટલા પરિવારો પાણી વચ્ચે ફસાયેલા છે. CMએ સ્થળ પરથી જ તંત્રને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવાની અને પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવાના કડક આદેશો આપ્યા છે.
