છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ નોંઘાયો છે. તો ઓગડમાં 3.86, ખેરગામમાં 3.39, નડિયાદમાં 3.31, નાનાપોંઢા 3.11 ઇંચ અને અન્ય 13 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે રવિવારે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે મુખ્યમંત્રી ગતરોજ ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે ‘સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ (SEOC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠામાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે, જ્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં જ તંત્રે કેશ ડોલ્સ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ચારણકા સોલર પાવર પ્લાન્ટમાં વરસાદી પાણી ભરાતાં ભારે તારાજી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે આવેલા એશિયાના સૌથી મોટા સોલર પાવર પ્લાન્ટમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતાં મોટું નુકસાન થયું છે. પ્લાન્ટમાં કાર્યરત ReNew Power, Aditya Birla, Mahindra Teqo, GNFC ने GPCL સહિતની 36 કંપનીઓના ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ રૂમ જેવા વિદ્યુત ઉપકરણો જળમગ્ન થતાં વીજ ઉત્પાદન પ્રભાવિત થયું છે. પાણી ઓસર્યા બાદ વિગતવાર સર્વે હાથ ધરાશે, પરંતુ પ્રાથમિક ધોરણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.



