ઉત્તર ગુજરાતના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીરનું આગમન થતાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર સ્થિત સંત સરોવરમાં 2435 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 50.90 મીટરે પહોંચી છે. જળાશયની સપાટી નિયંત્રણમાં રાખવા સિંચાઈ વિભાગ દ્વારા સંત સરોવરના 6 દરવાજા ખોલીને 740 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતાં તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગાંધીનગર અને અમદાવાદના 21 ગામોને સાવચેત રહેવા તાકીદZ
નદીના વહેણમાં પાણી છોડાતાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કુલ 21 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાના ઈન્દ્રોડા, ધોળાકૂવા, કુડાસણ, રાંદેસણ, કોબા, રાયસણ, પેથાપુર, શાહપુર, ડભોડા, કરાઈ, ભાટ સહિતના વિસ્તારો અને અમદાવાદના સુઘડ, કોટેશ્વર તથા મોટેરા ગામના નાગરિકોને નદીના પટમાં ન જવા સખત અપીલ કરવામાં આવી છે.
ભયજનક જળાશયો અને નદીઓમાં પ્રવેશ પર 21 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ
ચોમાસામાં ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 21 સપ્ટેમ્બર સુધી જિલ્લાના તમામ જોખમી જળાશયો, નદી, તળાવ કે નહેરમાં નાગરિકો અને પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
