રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને કારણે 26 જુલાઈએ યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટી મોકૂફ રાખ્યા બાદ આયોગે હવે નવી પરીક્ષા તારીખ જાહેર કરી છે. આ મુજબ પરીક્ષા હવે 1 ઓગસ્ટ, 2026 (શનિવાર) ના રોજ બપોરે 3:00થી 4:00 વાગ્યા સુધી યોજાશે. અગાઉ પરીક્ષા 2 ઓગસ્ટે યોજવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે UPSCની કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસીઝ પરીક્ષા સહિત અન્ય પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી
GPSCએ જણાવ્યું છે કે, UPSC દ્વારા પરીક્ષા કેન્દ્રોના ઉપયોગ માટે મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોના કોલ લેટર આયોગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ પરીક્ષા સંબંધિત અન્ય જરૂરી સૂચનાઓ અને વિગતવાર માહિતી પણ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. આયોગે તમામ ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર
રાખવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. ભારે વરસાદની આગાહીને કારણે ઉમેદવારોની રજૂઆતો અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

