શ્રી વિહળધામ – પાળિયાદ ખાતે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ની 42મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Spread the love

બોટાદ જિલ્લાના પવિત્ર તીર્થધામ શ્રી વિહળધામ – પાળિયાદ ખાતે આજે તા. ૨૬/૦૭/૨૦૨૬ ના રોજ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની 42મી વાર્ષિક સાધારણ સભા ભક્તિમય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

આ સભામાં બગસરા, અમરેલી, ચલાલા, ધારી, લીલીયા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે શ્રી વિહળધામ – પાળિયાદ તરફથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા દ્વારા આશીર્વચનમાં શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે મંડળી સતત પ્રગતિના નવા શિખરો સર કરે, સહકારથી સમૃદ્ધિના ધ્યેયને વધુ મજબૂત બનાવે અને સમાજના છેવાડાના માનવી સુધી આર્થિક વિકાસના લાભો પહોંચાડતી રહે.

પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા જણાવાયું હતું કે કવિશ્રી ઝવેરચંદ મેઘાણીજીની કર્મભૂમિ બગસરાથી શ્રી વિહળધામ ખાતે વાર્ષિક સાધારણ સભાનું આયોજન થવું ગૌરવની બાબત છે અને પ્રોત્સાહન પાઠવવામાં આવ્યું.

 

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા છેલ્લા 42 વર્ષથી સહકારી ક્ષેત્રે કરાયેલ સેવાકાર્ય, પારદર્શક વહીવટ, સભાસદ કેન્દ્રિત અભિગમ અને સતત પ્રગતિની પ્રશંસા કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કરનાર આ મંડળીના ચેરમેન શ્રી રશ્વિનભાઈ ડોડીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ અને સભાસદોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સભા અંતે સર્વે સભાસદોના ઉજ્જ્વળ ભવિષ્ય, સુખ, સમૃદ્ધિ અને મંડળીના ઉત્તરોત્તર વિકાસ માટે પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય શ્રી વિહળાનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *