ઓછા સ્ટાફ વચ્ચે પણ ઉત્કૃષ્ટ સેવા: જી.એમ.ઇ.આર.એસ. ગાંધીનગરનો રેડિયોલોજી વિભાગ ગ્રામ્ય અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ

Spread the love

આધુનિક આરોગ્ય સેવામાં ઝડપી અને ચોક્કસ નિદાન એ યોગ્ય સારવારનું સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ પગથિયું છે. જી.એમ.ઇ.આર.એસ. (GMERS) ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો રેડિયોલોજી વિભાગ તબીબી અધિક્ષકશ્રી તથા નિવાસી તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યો છે. આધુનિક મશીનો, અનુભવી નિષ્ણાતોની ટીમ અને દર્દીકેન્દ્રિત અભિગમના કારણે વિભાગમાં દર વર્ષે દર્દીઓની સંખ્યા અને કામગીરીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

 

એક સમય હતો જ્યારે ગામડાંના દર્દીઓને MRI, CT Scan, Contrast CT Study, Colour Doppler જેવી વિશેષ તપાસો માટે અમદાવાદ અથવા ખાનગી હોસ્પિટલોમાં જવું પડતું હતું, જેનાથી સમય, ખર્ચ અને મુસાફરીનો ભારે બોજ પડતો હતો. આજે GMERS ગાંધીનગરમાં આ તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ હોવાથી દર્દીઓને ઝડપથી અને સરળતાથી નિદાન સેવા મળી રહી છે. આ સેવાઓ ખાસ કરીને આર્થિક રીતે નબળા અને ગ્રામ્ય પરિવારો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ પાત્ર દર્દીઓને અનેક મોંઘી તપાસો નિઃશુલ્ક અથવા રાહત દરે ઉપલબ્ધ થતી હોવાથી પરિવારો પરનો આર્થિક બોજ ઘટ્યો છે.

 

ગાંધીનગર સિવિલના ઇતિહાસમાં પ્રથમ જ વાર પાછલા એક વર્ષથી કોન્ટ્રાસ્ટ સી.ટી.સ્કેન (CE CECT SCAN) દવા ઇન્જેક્ટ કરીને સી.ટી.સ્કેનની કરવાની થતી તપાસ શરૂ થયેલ છે. આ તપાસ માટે પહેલા લોકોને અમદાવાદ સિવિલ જવું પડતું હતું, જે હવે જવું પડતું નથી. જેના લીધે કેન્સર જેવા રોગોનું ડાયગ્નોસિસ આપણી સિવિલ ખાતે જ ઝડપથી તેમજ સરળતાથી થઈ જાય છે. વધુમાં અન્ય તમામ પ્રોસીજર જેવી કે યુ.એસ.જી. ગાઇડેડ એફ.એન.એસ.સી., લીવર એસ્પિરેશન અને કલર ડોપ્લર જેવી તપાસ જે પહેલા થતી ન હતી, તે હવે અત્રેના વિભાગ ખાતે ઉપલબ્ધ છે.

 

આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ ખાતે ૨૪*૭ ના ધોરણે એક્સ-રે અને સી.ટી.સ્કેનની તપાસ થાય છે અને રાત્રે અકસ્માતના કેસોમાં પણ અત્યંત ઝડપથી સી.ટી.સ્કેન તેમજ રિપોર્ટિંગ કરવામાં આવે છે, જેના કારણે દર્દીઓને વિન્ડો પિરિયડમાં યોગ્ય નિદાન થતાં સમયસર સારવાર મળી રહે છે. સાથે સાથે યુ.એન. મહેતા હોસ્પિટલ (ગાંધીનગર શાખા) ના સી.ટી.સ્કેન તેમજ એમ.આર.આઈ. ની તપાસની જવાબદારી પણ રેડિયોલોજી વિભાગ ખાતે જ સંભાળવામાં આવે છે.

છેલ્લા ૩ થી ૪ વર્ષમાં વિભાગ ખાતે રેડિયોલોજિસ્ટ તબીબોની જગ્યાઓમાં ઘટાડો થયો છે અને હાલમાં ૦૧ પ્રોફેસર તેમજ ૦૧ આસિસ્ટન્ટ પ્રોફેસર તબીબની જગ્યા ખાલી છે. આવી કપરી પરિસ્થિતિ અને વધારાના કાર્યભાર વચ્ચે પણ રેડિયોલોજી વિભાગના વડા, તબીબો તેમજ ટેકનીશિયનો રાત-દિવસ અથાગ કામગીરી કરીને સરાહનીય ફરજ બજાવી રહ્યા છે. જો આ ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ જાય તો કામગીરી વધુ ઝડપી અને સુચારુ બની શકે. વર્ષ ૨૦૨૩ માં ૧,૩૪,૮૧૨ એક્સ-રે, ૪,૮૭૯ સી.ટી.સ્કેન, ૪૪,૪૭૮ સોનોગ્રાફી અને ૬૧૭ એમ.આર.આઈ. થતાં હતાં, જે વધીને વર્ષ ૨૦૨૫ માં અનુક્રમે ૧,૭૨,૨૩૨ એક્સ-રે, ૮,૨૨૮ સી.ટી.સ્કેન, ૭૨,૦૩૦ સોનોગ્રાફી અને ૩,૪૧૨ એમ.આર.આઈ. સુધી પહોંચ્યા છે. ચાલુ વર્ષ ૨૦૨૬ માં જૂન માસ સુધીમાં જ ૧,૦૫,૦૦૦ એક્સ-રે, ૫,૨૩૨ સી.ટી.સ્કેન, ૪૨,૧૨૫ સોનોગ્રાફી અને ૩,૧૨૦ એમ.આર.આઈ. ની સફળ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આમ, ટીમવર્ક અને ટેકનોલોજીના સમન્વયથી આ વિભાગ હોસ્પિટલનો સૌથી સક્રિય અને સેવાભાવી વિભાગ બન્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *