સાયબર ઠગોને મોટો ઝટકો! 1930 પર કોલ કરો અને FIR થશે પળવારમાં

Spread the love

સાયબર છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ‘e-Zero FIR’ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. હવે નાગરિકોએ પ્રાથમિક ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવું નહીં પડે. 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ દાખલ કરતાં જ ઓટોમેટિક Zero FIR જનરેટ થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાઈ જશે.

 

1930 પર ફરિયાદ બાદ આપોઆપ Zero FIR જનરેટ થશે

 

સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવશે, ત્યારબાદ સિસ્ટમ દ્વારા સંબંધિત કેસની e-Zero FIR આપોઆપ જનરેટ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવામાં આવશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવશે અને નિયમ મુજબ FIR નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરશે. આથી સાયબર ફ્રોડના કેસમાં સમય બચશે અને છેતરાયેલી રકમને ઝડપથી ફ્રીઝ અથવા પરત મેળવવાની શક્યતા વધશે.

પ્રથમ e-Zero FIRમાં રૂ.15.76 લાખથી વધુ બચાવાયા

 

આ સેવાની અસરકારકતા લોન્ચિંગ પહેલાં જ જોવા મળી છે. અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમણે રાજ્યની પ્રથમ e-Zero FIR નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઇમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી રૂ.15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી.

 

I4C સાથે સંકલન કરીને નવી વ્યવસ્થા

 

સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સના IGP બિપિન આહીરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન કરીને e-Zero FIRની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. 1930 હેલ્પલાઇન પર મળતી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદના આધારે સિસ્ટમ આપોઆપ Zero FIR જનરેટ કરશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલશે.

 

ઝડપી કાર્યવાહી માટે DGPના આદેશ

 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા આપવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. e-Zero FIRથી નાગરિકોને ઘરબેઠાં ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી સાયબર છેતરપિંડીમાં ગુમાવેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે. આ વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવા તથા અરજદારોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

 

લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. I4Cના CEO રાજેશ કુમાર સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા, પોલીસ અધિક્ષક અને સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટરો GSWANના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *