ગુજરાતના શિપબિલ્ડિંગ અને શિપ રિપેર ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઈ જવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતે ‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026’નો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 2,340 કિલોમીટર લાંબા દરિયાકિનારાના ઉપયોગથી ગુજરાતને દેશનું અગ્રણી મેરીટાઇમ હબ બનાવવાના લક્ષ્યાંક સાથે જાહેર કરાયેલી આ નીતિ અંતર્ગત પોરબંદરના કુછડી ખાતે મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર સહિત સમગ્ર પ્રોજેક્ટમાં ₹27,000 કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના છે.
પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ ક્લસ્ટર સ્થાપાશે
આ પોલિસીનું મુખ્ય આકર્ષણ પોરબંદર જિલ્લાના કુછડી ખાતે આકાર પામનારું મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર છે, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તેના DPR તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ક્લસ્ટરમાં 2થી 3 વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ સ્થાપવા ₹23,700 કરોડનું ખાનગી રોકાણ અને માળખાકીય સુવિધાઓ માટે 3,300 કરોડનું રોકાણ અંદાજવામાં આવ્યું છે. આમ, સમગ્ર પ્રોજેક્ટમાં ₹27,000 કરોડથી વધુના રોકાણની સંભાવના છે.
ઇન્ટિગ્રેટેડ પાર્ક અને રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો પોલિસી હેઠળ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP) વિકસાવાશે, જેમાં મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર, ટેસ્ટિંગ ફેસિલિટી, R&D અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો સમાવેશ થાય છે. રોકાણકારો માટે મૂડી સહાય, વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટી રિફંડ, વીજળી અને પાણીના દરમાં રાહત તેમજ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સુવિધા પૂરી પાડવામાં આવશે. વહેલી તકે કામગીરી શરૂ કરનારા ‘અર્લી બર્ડ’ રોકાણકારોને ખાસ પ્રોત્સાહન અપાશે.
શિપબિલ્ડિંગ ક્ષમતા 50 લાખ DWT કરવાનો લક્ષ્યાંક આ નીતિ દ્વારા ગુજરાતની શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડવેઇટ ટનેજ (DWT)થી વધુ કરવાનો, બે મેગા શિપબિલ્ડિંગ પાર્ક સ્થાપવાનો અને 5 લાખથી વધુ લોકોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને GMB ચેરમેન એસ.એસ. રાઠૌર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
