ચાંદીપુરાનો કહેર યથાવત! માણસામાં ત્રીજો કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું

Spread the love

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ આ ઘાતક વાયરસે પોતાનો પગપેસારો મજબૂત બનાવ્યો છે. અઠવાડિયા અગાઉ જ ગાંધીનગરમાં વાયરસના પ્રથમ બે કેસ નોંધાયા હતા, ત્યાં હવે માણસા તાલુકાના ચરાડા ગામમાંથી ત્રીજો કેસ પ્રકાશમાં આવતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

 

તીવ્ર તાવ અને ઉલટી બાદ સ્થિતિ ગંભીર

 

મળતી માહિતી મુજબ, ચરાડા ગામના સીમ/ખેતર વિસ્તારમાં રહેતા એક પરિવારના બાળકની ગત 25 જુલાઈના રોજ અચાનક તબિયત લથડી હતી. બાળકને તીવ્ર તાવ અને સતત ઉલટી થવાની તકલીફ શરુ થતાં તેને માણસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકની સ્થિતિ વધુ નાજુક બનતાં અને આંચકી આવવાના લક્ષણો દેખાતાં તબીબો દ્વારા તેને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર લેવામાં આવ્યો છે. હાલમાં તેની હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે.

 

રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં

 

શંકાસ્પદ લક્ષણો જણાતાં લેવાયેલા સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત બાળકના ઘરની આસપાસ આવેલા આશરે 50 જેટલાં ઘરોમાં ડોર-ટુ-ડોર આરોગ્ય સર્વેલન્સ, દવાનો સ્પ્રેઇંગ અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

રૅપિડ રિસ્પોન્સ ટીમ ચરાડા દોડી ગઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની રૅપિડ રિસ્પોન્સ ટીમે તાબડતોબ ચરાડા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ટીમે સ્થળ તપાસ કરી બાળકના પરિવારજનો અને સ્થાનિકો સાથે વાતચીત કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે.

 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કલોલના જાસપુરના એક બાળકની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ચંદ્રાલાના 15 વર્ષના કિશોરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે ચરાડામાં ત્રીજો કેસ સામે આવતાં જ સમગ્ર ગાંધીનગર જિલ્લાના આરોગ્ય વિભાગને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *