બિહાર બંધ દરમિયાન સિવાન જિલ્લામાં AK-47 રાઇફલથી અંધાધૂંધ ગોળીબાર કરીને સનસનાટી મચાવનાર પોલીસકર્મી સામે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સિવાનના પોલીસ અધિક્ષક (SP) પૂરન કુમાર ઝાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન AK-47થી ફાઇરીંગ કરનાર પોલીસ જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
AK-47 ચલાવનાર આ પોલીસકર્મીની ઓળખ અભિષેક પટેલ તરીકે થઈ છે, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)માં તૈનાત છે.વિદ્યાર્થી આંદોલન પર AK-47થી ગોળીબાર કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો.
આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો પણ વધી ગયો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ – બંનેએ આ ઘટનાને લઈને સરકાર અને પોલીસ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જોકે, ભાજપના નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના દાવાને ખોટો ગણાવ્યો હતો.
આ સમગ્ર વિવાદ અને ભારે વિરોધ વચ્ચે, વહીવટીતંત્રે કડક વલણ અપનાવીને AK-47થી ગોળીઓ વરસાવનાર જવાન અભિષેક પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
20 જુલાઈની ઘટના અને સીઆરપીએફ (CRPF)નું અસેસમેન્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 20 જુલાઈના રોજ સંસદ માર્ચ (Parliament March) દરમિયાન જંતર-મંતર અને કનોટ પ્લેસ વિસ્તારમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રોટેસ્ટ દરમિયાન આરએએફના એક જવાને પેલેટ રાઉન્ડ (Pelet Round) ચલાવ્યા હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે પેલેટ રાઉન્ડ જમીન પર અથડાઈને વિખેરાયા હતા, જેના કારણે કેટલાક પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
CRPF ના જણાવ્યા મુજબ, કોઈપણ મોટા અભિયાન કે ઘટના પછી પોસ્ટ-ઇવેન્ટ એસેસમેન્ટ કરવું તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નો મુખ્ય ભાગ છે. આ જ પ્રક્રિયા હેઠળ કાર્યવાહીના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફોર્સનું એમ પણ કહેવુ છે કે, આ પ્રદર્શન દરમિયાન આરએએફના ૪૭ થી વધુ જવાનો પણ ઘાયલ થયા હતા, જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે સ્થિતિને કાબૂમાં લેવા માટે દિલ્હી પોલીસ (Delhi Police) અને આરએએફ દ્વારા ટીયર ગેસ (Tear Gas), લાઠીચાર્જ અને ભીડ નિયંત્રણના અન્ય ઉપાયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ ઉઠાવ્યા હતા સવાલો
આ વિવાદે રાજકીય રંગ પણ પકડી લીધો છે. દિલ્હીના આ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ દરમિયાન કથિત લાઠીચાર્જ અને બળપ્રયોગને લઈને લોકસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition) રાહુલ ગાંધીએ ગત ૨૫ જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહને એક પત્ર લખ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળોએ અંધાધૂંધ બળપ્રયોગ કર્યો છે અને આ સમગ્ર મામલે જવાબદારી (Accountability) નક્કી થવી જોઈએ.
પત્રમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ નિષ્પક્ષ અને જવાબદાર શિક્ષણ વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમની વાત સાંભળવાને બદલે તેમના પર કથિત રીતે ઘાતક હથિયારો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં સેંકડો વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવા અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે પણ દુર્વ્યવહાર થયો હોવાના આક્ષેપો કરાયા છે.
તેમણે 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોછાબનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે ગંભીર રીતે ઘાયલ છે અને તેની એક આંખની રોશની ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, ઘટનામાં ઘાયલ થયેલા એક પત્રકાર (Journalist) ની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં સીઆરપીએફ દ્વારા તૈયાર થઈ રહેલા રિપોર્ટ બાદ આ મામલે આગામી સમયમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.
