જોન્સન એન્ડ જોન્સન (JJ) યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના બેબી પાવડરથી ઓવેરિયન કેન્સરના 76,000 કેસોના નિકાલ માટે 5.5 અબજ ડોલરના કરાર પર સહમત થઈ છે. એક દાયકાથી વધુ સમયની આ કાનૂની લડાઈનો આ સંભવિત અંત છે. JJ દાવો કરે છે કે તેના ઉત્પાદનો સુરક્ષિત છે, પરંતુ ખર્ચાળ કેસોથી છૂટકારો મેળવવા આ પગલું ભર્યું છે.
પ્રસિદ્ધ હેલ્થકેર કંપની જોન્સન એન્ડ જોન્સન (JJ) યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના બેબી પાવડર અને અન્ય ટેલ્ક-યુક્ત ઉત્પાદનોથી ઓવેરિયન કેન્સર થવાના આક્ષેપ સાથે જોડાયેલા અંદાજે 76,000 કેસોના નિકાલ માટે 5.5 અબજ ડોલરના પ્રસ્તાવિત કરાર પર સહમત થઈ ગઈ છે.અહેવાલ મુજબ, આ સમજૂતી કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા અને લાંબા સમયથી ચાલી રહેલા પ્રોડક્ટ લાયબિલિટી કેસોમાંના એકનો અંત લાવી શકે છે.આ પ્રસ્તાવિત સેટલમેન્ટ (સમજૂતી) અમેરિકાની ફેડરલ અને સ્ટેટ કોર્ટોમાં દાખલ કરાયેલા અંદાજે 76,000 હાલના દાવાઓને આવરી લે છે, જે હેલ્થકેર જાયન્ટ સામેના બાકી રહેલા ઓવેરિયન કેન્સરના લગભગ તમામ કેસોનું પ્રતિનિધિત્વ કરે છે.
આ કરાર ત્યારે જ પ્રભાવી બનશે જ્યારે ઓછામાં ઓછા 95% ક્લેમર્સ આ ડીલને સ્વીકારશે. આ કાનૂની લડાઈ એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહી છે. જેમાં અનેક કોર્ટ ટ્રાયલ, અપીલો અને કંપનીના ત્રણ અસફળ બેંકરપ્સી પ્રયાસોનો સમાવેશ થાય છે.જોન્સન એન્ડ જોન્સને સતત એવો દાવો કર્યો છે કે તેના ટેલ્કમ-આધારિત ઉત્પાદનો સુરક્ષિત છે અને તેમાં એસ્બેસ્ટોસ નથી તેમજ તેનાથી ઓવેરિયન કેન્સર થતું નથી. પરંતુ તે વર્ષોથી ચાલી રહેલા ખર્ચાળ કેસોઓને પાછળ છોડવા માંગે છે.JJ ના લિટિગેશન વાઇસ પ્રેસિડેન્ટ એરિક હાસે જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે જો આગળ લિટિગેશન ચાલ્યું હોત તો કંપનીની જીત થઈ હોત, પરંતુ આ ઉકેલ કંપનીને આ મામલાને પાછળ છોડીને જીવન બચાવતી દવાઓ અને ઉપકરણો વિકસાવવાના તેના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવા દે છે.
કંપની 2027 માં અંદાજે 3 અબજ ડોલર ચૂકવવાની અપેક્ષા રાખે છે, જ્યારે બાકીની ચુકવણી 2028 માટે નિર્ધારિત છે. જો કે, અગ્રણી વકીલ ક્રિસ સીગરના જણાવ્યા અનુસાર, જો વધુ પાત્ર ક્લેમર્સ ભાગ લે તો આ આંકડો 7 અબજ ડોલરથી વધુ પણ થઈ શકે છે.
હવે આ સેટલમેન્ટ કરાર મંજૂરી માટે ક્લેમર્સ વચ્ચે રજુ કરવામાં આવશે. જો અંદાજે 76,000 પાત્ર પ્લેન્ટિફ્સમાંથી ઓછામાં ઓછા 95% લોકો આ ઓફર સ્વીકારે છે, તો જોન્સન એન્ડ જોન્સન યુએસ કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા પ્રોડક્ટ લાયબિલિટી વિવાદોમાંથી એકનો અંત લાવી શકશે. જો આવશ્યક મર્યાદા પૂરી નહીં થાય, તો કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સની કોર્ટોમાં ફરીથી વર્ષો સુધી લિટિગેશનનો સામનો કરવો પડી શકે છે.
