Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

Spread the love

ગુજરાતમાં રાજ્ય સરકાર સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા (EWS) પરિવારો માટે મોટો નિર્ણય લઈ શકે છે. રાજ્ય સરકાર EWS માટે વાર્ષિક આવક મર્યાદા હાલના 6 લાખથી વધારીને 10 લાખ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો રાજ્યના EWS શ્રેણીમાં આવતા પરિવારોને ફાયદો થશે.ગુજરાત સરકારના ન્યાય અને અધિકારિતા વિભાગે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUEEDC) દ્વારા સંચાલિત યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચે તે માટે આવક મર્યાદામાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્પોરેશનની સ્થાપના સમયે નક્કી કરાયેલી આવક મર્યાદામાં છેલ્લા દસ વર્ષથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે તેને ₹6 લાખથી વધારીને ₹10 લાખ સુધી લઈ જવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

 

આગામી કેટલાક અઠવાડિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે

 

વિભાગમાં હાલમાં આવક મર્યાદા કેટલી વધારી શકાય તે અંગે વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી કેટલાક અઠવાડિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. હાલમાં GUEEDCની મોટાભાગની યોજનાઓ માટે ₹6 લાખ સુધીની આવક મર્યાદા છે, જ્યારે કેટલીક યોજનાઓમાં ₹8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા અરજદારો પણ પાત્ર ગણાય છે. આ ફેરફારનો મુખ્ય હેતુ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા પરિવારોને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ને મળતા લાભોની સમકક્ષ તકો ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ સરકાર GUEEDC હેઠળ મિલકત ગીરવે રાખ્યા વિના લોન આપવાની યોજના પર પણ વિચારણા કરી રહી છે. હાલમાં SC અને ST વર્ગ માટે કેટલીક લોન યોજનાઓમાં ગીરવે મિલકતની જરૂર પડતી નથી, જ્યારે EWS વર્ગને આ સુવિધા ઉપલબ્ધ નથી. જો સરકાર આ નિર્ણયોને મંજૂરી આપશે તો સામાન્ય વર્ગના હજારો પરિવારોને શિક્ષણ, સ્વરોજગાર અને આર્થિક સહાય માટે નવી તક મળશે.

 

રાજ્ય સરકારના આ સકારાત્મક વલણથી ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા માંગતા યુવાનો માટે મોટી તકો ઊભી થશે. આવક મર્યાદા વધવાથી અત્યાર સુધી મર્યાદા બહાર રહી જતા હજારો મધ્યમવર્ગીય પરિવારો હવે સરકારી સબસિડી, શૈક્ષણિક લોન અને આર્થિક સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *