ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

Spread the love

રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં શહેરી અને ગ્રામ્ય માર્ગોના વિકાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં નવા બનનારા આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોંક્રિટ (CC)થી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન ડામરના રસ્તાઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.કેબિનેટના નિર્ણય અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં નવા બનનારા આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોંક્રિટથી બનાવવામાં આવશે. આ નિર્ણયથી રસ્તાઓની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો થવાની સરકારને આશા છે.

 

ભારે વરસાદમાં ડામરના રસ્તા તૂટવાની સમસ્યાનો આવશે ઉકેલ

 

રાજ્યમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ડામરના રસ્તાઓ પર ખાડા પડવાની અને રસ્તા તૂટી જવાની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી ટકી રહે તેવા કોંક્રિટ રોડના નિર્માણને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર અમલ

 

સરકારે માત્ર શહેરી વિસ્તારો પૂરતો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓના નિર્માણનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં વિવિધ ગ્રામ પંચાયત અને ગામડાઓમાં પણ જરૂરીયાત મુજબ સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

 

ટકાઉ માર્ગ વ્યવસ્થા તરફ સરકારનું વધુ એક પગલું

 

સરકારના આ નિર્ણયથી માર્ગોની જાળવણીનો ખર્ચ ઘટશે, રસ્તાઓનું આયુષ્ય વધશે અને વરસાદી મોસમ દરમિયાન લોકોને વધુ સારી અને સુરક્ષિત માર્ગ સુવિધા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારનું માનવું છે કે ટકાઉ માર્ગ વ્યવસ્થા માટે સિમેન્ટ કોંક્રિટના રસ્તા વધુ અસરકારક સાબિત થશે.

 

અમદાવાદના વેપારીઓને પણ સહાય અપાશે

 

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું, અગાઉ સુરતમાં ભારે વરસાદ વખતે જે રીતે સહાય જાહેર કરાઈ હતી, તે જ ઠરાવ મુજબ હવે અમદાવાદના વેપારીઓને પણ સહાય અપાશે. તાજેતરના વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાવાના કારણે નાના-મોટા વેપારીઓ અને દુકાનદારોને ઘણું મોટું નુકસાન થયું છે. આ નુકસાનીનો પારદર્શી રીતે અંદાજ કાઢવા માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે ચોક્કસ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *