200થી વધુ હથિયારના લાયસન્સ રદ્ : પોલીસ કમિશનરનો સપાટો

Spread the love

રાજકોટ, તા.29 શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એક્શન મોડમાં આવ્યા હોય તેમ એક સાથે 200 થી વધુ હથિયારના લાયસન્સ રદ્ કરી નાખતા અગાઉ વહીવટી પ્રક્રિયાથી મેળવેલ ખોટા લાયસન્સ ધારકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને હજુ પણ અનેક પરવાના રદ થવાની પુરેપુરી સંભાવના સેવાઇ રહી છે.

જે લાયસન્સ ધારકોએ હથિયારનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોય તેમજ જે લાયસન્સ ધારકે લાયસન્સ સરન્ડર કર્યું હોય તેમજ કોઇ વ્યક્તિ મરણ પામેલ હોય અને કમરે હથિયાર ટીંગાડી રોફ જમાવતા સહિતના લાયસન્સ ધારકો ઝપટે ચડી ગયા છે.

થોડા સમયમાં ત્રણેક હત્યાના બનાવો સામે આવ્યા છે જેમાં નાનામવા વિસ્તારમાં થયેલ મર્ડરના બનાવમાં આડેધડ ફાયરીંગ કરી યુવાનનું મોત નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો હતો જે પૂર્વે પણ અનેક ફાયરીંગના બનાવો સામે આવેલ હતા ત્યારે ટીઆરપી ગેમ ઝોન આગકાંડ બાદ પોલીસ કમિશનર તરીકે પદ સંભાળતા બ્રજેશકુમાર ઝાએ મુખ્ય કામગીરી હથિયારના લાયસન્સધારકની સમીક્ષા કરવાનું શરુ કર્યું હતું.

જેમાં અનેક લાયસન્સ ધારકો ક્ષતિગ્રસ્ત સામે આવ્યા હતા. જેમાં લાયસન્સવાળુ હથિયાર મેળવ્યા બાદ કેટલાક શખ્સો સોશ્યલ મીડિયામાં સક્રિય રહેવા માટે પણ ઉપયોગ કરતાં હોવાનું સામે આવતા પોલીસ કમિશનર તુરંત જ હથિયારધારકોને નોટીસ ફટકાર્યા બાદ લાયન્સ રદ કરવાનું શરુ કર્યું છે.

 

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ હથિયારધારકોના પાંચ વર્ષ પુરા થયા બાદ રીન્યુ થવા આવતા લાયસન્સમાં મેન્ટલ અને ફીઝીક્લ ફીટનેશ ચકાસવામાં આવે છે તેમજ કોઇ લાયસન્સ ધારકોએ સામેથી લાયસન્સ સરન્ડર કર્યું હોય તેમજ કોઇ વ્યક્તિ મરણ પામ્યું હોય અથવા ઉંમરના કારણે કોઇ લાયસન્સધારકે પોતાનું લાયસન્સ રીન્યુ ન કરાવ્યું હોય તેવા કારણોથી પણ ઘણા હથિયારોના લાયસન્સ રદ થયા છે. તેમજ હજુ પણ અનેક લાયસન્સ રદ થવાની પુરેપુરી શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *