દેશભરમાં પરીક્ષા પ્રણાલીને લઈને ઉઠેલા પ્રશ્નો અને યુવાનોના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા લાવવા માટે હાઈ પાવર્ડ સમિતિની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માર્ગદર્શન હેઠળ રચાયેલી આ સમિતિનું નેતૃત્વ ટેક ઉદ્યોગપતિ નંદન નીલેકણી કરશે. સમિતિમાં ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી અનિતા કરવાલ (Anita Karwal)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવાનો ઉદ્દેશ
તાજેતરના પેપર લીકના મુદ્દાઓ અને પરીક્ષા વ્યવસ્થાને લઈને ઊભા થયેલા પ્રશ્નો બાદ કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, વિશ્વસનીય અને લીક-પ્રૂફ બનાવવા માટે આ સમિતિની રચના કરી છે. સમિતિ પરીક્ષા વ્યવસ્થામાં ટેક્નોલોજી આધારિત સુધારા, સુરક્ષા અને પારદર્શિતાને લઈને સરકારને ભલામણો આપશે.
કોણ છે Anita Karwal?
અનિતા કરવાલ ગુજરાત કેડરના 1988 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ મૂળ ચંદીગઢના છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં એમ.એ. કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂકેલા અનિતા કરવાલ (Anita Karwal)ને કાર્યક્ષમ અને અનુભવી અધિકારી તરીકે ઓળખવામાં આવે છે.
તેઓ અમદાવાદ કલેક્ટર, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી, CBSEના ચેરપર્સન તેમજ કેન્દ્ર સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત તેઓ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ના વડા તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
PM મોદી સાથેનો એક યાદગાર પ્રસંગ
એક ઇન્ટરવ્યુ દરમિયાન અનિતા કરવાલે (Anita Karwal) જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ કલેક્ટર હતા ત્યારે ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની તબિયત અંગે વ્યક્તિગત રીતે માહિતી મેળવી હતી અને સારવાર માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં કોઈ અધિકારીની આટલી વ્યક્તિગત કાળજી લેવી દુર્લભ બાબત છે.
સમિતિમાં કોણ-કોણ સામેલ?
પરીક્ષા સુધારા માટે રચાયેલી હાઈ પાવર્ડ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને સ્થાન આપવામાં આવ્યું છે.
નંદન નીલેકણી – સમિતિના અધ્યક્ષ, ટેક્નોલોજી ઉદ્યોગપતિ
એસ. સોમનાથ – ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ
તપન ડેકા – ભૂતપૂર્વ IB ડિરેક્ટર
વી. કામકોટી – IIT મદ્રાસના ડિરેક્ટર
Anita Karwalવાલ – પૂર્વ શિક્ષણ સચિવ અને પૂર્વ CBSE અધ્યક્ષ
અમૃત લાલ મીણા – લોજિસ્ટિક્સ અને વહીવટી નિષ્ણાત
એવરેસ્ટ અભિયાન સાથે પણ જોડાયેલું નામ
અનિતા કરવાલ (Anita Karwal)ના પતિ અતુલ કરવાલ ગુજરાત કેડરના નિવૃત્ત IPS અધિકારી છે. તેઓ વર્ષ 2008માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દેશના પ્રથમ સિવિલ સર્વન્ટ બન્યા હતા. બંનેએ પોતાના એવરેસ્ટ અભિયાનના અનુભવો પર આધારિત ‘Think Everest’ નામનું પુસ્તક પણ લખ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે લાંબો અનુભવ
CBSEના ચેરપર્સન અને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના સચિવ તરીકે અનિતા કરવાલે શિક્ષણ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ભૂમિકા ભજવી હતી. હવે પરીક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવા માટે રચાયેલી હાઈ પાવર્ડ સમિતિમાં તેમની નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
