વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહત્વપૂર્ણ વીડિયો ફેસબુક પરથી અચાનક હટાવી દેવાના કે બ્લોક કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર અત્યંત કડક વલણ અપનાવી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની ‘મેટા’ (Meta) ના ટોચના ગ્લોબલ અધિકારીઓને ફરી એકવાર સમન્સ પાઠવીને રૂબરૂ સમક્ષ હાજર થઈ સ્પષ્ટતા આપવા આદેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, નીટ (NEET) પેપર લીક મુદ્દે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સેલ્ફી વીડિયો ફેસબુક પરથી અચાનક ગાયબ થઈ ગયો હતો. આ ઘટના બાદ ભારે વિવાદ ઊભો થતાં મેટા કંપનીએ તેને “ઓટોમેટેડ સિસ્ટમની ટેકનિકલ ભૂલ” (Inadvertent Error) ગણાવીને માફી માંગી હતી અને વીડિયો રિસ્ટોર કરી દીધો હતો. જોકે, કેન્દ્ર સરકારે મેટાની આ સફાઈ અને ખુલાસાને અસંતોષકારક અને અગ્રાહ્ય ગણાવ્યો છે.
ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પાસે જવાબની માંગ
આઈટી મંત્રાલયના સચિવ એસ. ક્રિષ્નને આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારે મેટાના ઉચ્ચ સ્તરીય (US ગ્લોબલ ટીમ) અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું છે જેથી આ સમગ્ર ઘટનાનું સાચું કારણ જાણી શકાય. સરકારી અધિકારીઓનું માનવું છે કે, ભારતમાં મેટાની લોકલ પોલિસી ટીમ વિષયની ગંભીરતાને તેની વૈશ્વિક લીડરશિપ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. ભારતમાં દેશના વડાપ્રધાનના અધિકૃત એકાઉન્ટ પર આ પ્રકારની ભૂલ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા કેવી રીતે થઈ શકે, તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
નવા પ્રોટોકોલ અને આઈટી નિયમોનું પાલન
સરકારની આકરી ત્રાડ બાદ, મેટાએ ભારતીય સત્તાવાળાઓને માહિતી આપી છે કે તેમણે મહત્વપૂર્ણ બંધારણીય અને જાહેર હસ્તીઓના એકાઉન્ટ માટે નવા સુરક્ષા પ્રોટોકોલ બનાવ્યા છે જેથી ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય. માત્ર વીડિયો હટાવવાનો મુદ્દો જ નહીં, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ચાઈલ્ડ સેફ્ટી, સિન્થેટિક/AI કન્ટેન્ટ અને ભારત સરકારી આઈટી નિયમો (IT Rules 2021) ના પાલન અંગે પણ મેટાના અધિકારીઓ સાથે આગામી સમયમાં કડક સમીક્ષા કરવામાં આવશે.
