1947માં દેશના ભાગલા બાદ જમ્મુ-કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સૌથી મોટો વિવાદ બન્યો હતો. મહારાજા હરિસિંહે ભારત સાથે વિલયપત્ર (Instrument of Accession) પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં પાકિસ્તાને કબીલાઈ હુમલાખોરો અને પોતાની સેનાની મદદથી જમ્મુ-કાશ્મીરના એક ભાગ પર કબજો જમાવી લીધો હતો. આ વિસ્તાર આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) તરીકે ઓળખાય છે.ભારત સતત PoKને પોતાનો અભિન્ન ભાગ ગણાવતું આવ્યું છે અને સંસદ પણ અનેક વખત આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે.
વર્તમાન દિવસોમાં PoK ફરી ચર્ચામાં છે. ત્યાં મોંઘવારી, વીજળીની અછત, બેરોજગારી અને અન્ય સમસ્યાઓ સામે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાના આડેધડ ફાયરિંગ અને દમનની વાત પણ સામે આવી છે, જેમાં આશરે 50 લોકોના મોત થયા હોવાના દાવા કરાયા છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થયો છે કે શું ભારત યુદ્ધ અથવા સૈન્ય કાર્યવાહી વગર PoK પર ફરી નિયંત્રણ મેળવી શકે?
ભારતના કેટલાક નેતાઓનું માનવું છે કે, યોગ્ય સમય આવશે ત્યારે PoK પોતે જ ભારત તરફ આવશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ આ અંગે અનેક વખત જાહેર નિવેદન આપી ચૂક્યા છે. ભારતની પ્રાથમિકતા સૈન્ય કાર્યવાહી નહીં પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરવાની છે કે, જેમાં PoKના લોકો પોતે જ ભારતમાં જોડાવાની માંગ કરે. જોકે આ માત્ર એક સંભાવના છે, જેની સફળતા અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર આધારિત છે. ત્યારે ચાલો જાણીએ કે, ભારત પાસે કયા 5 વિકલ્પ રહેલા છે.
1. વિકાસની શક્તિ
ભારતનું સૌથી મોટું હથિયાર આર્થિક વિકાસ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં રોડ, રેલવે, ટનલ, આરોગ્ય, શિક્ષણ અને પર્યટન ક્ષેત્રે મોટા રોકાણ થયા છે. ઝોજિલા ટનલ, કાશ્મીર રેલ લિંક અને નવી વીજ યોજનાઓ તેના ઉદાહરણ છે. બીજી તરફ PoKમાં લાંબા સમયથી વીજળીની અછત, મર્યાદિત ઉદ્યોગો, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. જો નિયંત્રણ રેખા (LoC)ની બંને બાજુ વિકાસનો તફાવત સતત વધતો જશે તો PoKના લોકોમાં વધુ સારા શાસનની માંગ મજબૂત બની શકે છે. વ્યૂહરચના નિષ્ણાતો તેને ‘ડેવલપમેન્ટ ડિપ્લોમસી’ અથવા ‘મેગ્નેટિક ડેવલપમેન્ટ’ તરીકે પણ ઓળખાવે છે.
2. પાકિસ્તાન સામે વધતો જનઆક્રોશ
છેલ્લા કેટલાક વર્ષોમાં PoKમાં વિવિધ મોટા પ્રદર્શન થયા છે. જમ્મુ-કાશ્મીર જૉઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC) જેવા સંગઠનોએ અનેક વખત બંધ અને વિરોધ કાર્યક્રમો યોજ્યા છે. જો સ્થાનિક લોકો અને પાકિસ્તાન સરકાર વચ્ચેનો વિશ્વાસ વધુ નબળો પડશે તો રાજકીય અસ્થિરતા વધી શકે છે. ભારતનું માનવું હોઈ શકે છે કે જો લોકો પોતે જ પાકિસ્તાનના વહીવટને નકારી કાઢશે તો ભવિષ્યમાં મોટા રાજકીય પરિવર્તન માટે માહોલ બની શકે છે. જોકે, અત્યાર સુધી ભારત સાથે વિલયની સ્પષ્ટ માંગ કરતું કોઈ મોટું આંદોલન સામે આવ્યું નથી.
3. કાયદાકીય અને બંધારણીય તૈયારી
PoK પર ભારતનો સૌથી મજબૂત આધાર તેનો કાયદાકીય દાવો છે. 22 ફેબ્રુઆરી 1994ના રોજ ભારતીય સંસદે સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યો હતો અને પાકિસ્તાનને કબજાવાળા વિસ્તારો ખાલી કરવાની માંગ કરી હતી. આ જ દૃષ્ટિકોણ હેઠળ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં PoK માટે 24 બેઠકો અનામત રખાઈ છે, જે આજે પણ ખાલી છે.
4. પાણી અને કુદરતી સંસાધનોનું મહત્વ
સિંધુ નદી પ્રણાલીની અનેક મુખ્ય નદીઓ ભારતમાંથી પસાર થઈને પાકિસ્તાન પહોંચે છે. ભારત સિંધુ જળ સંધિ હેઠળ પોતાના અધિકારોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની નીતિ અપનાવી રહ્યું છે. ગયા વર્ષે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત કરી હતી. બીજી તરફ PoKમાં લાંબા સમયથી એવી ફરિયાદ છે કે ત્યાં બનતા જળવિદ્યુત પ્રોજેક્ટનો લાભ સ્થાનિક લોકો કરતાં પાકિસ્તાનના અન્ય વિસ્તારોને વધુ મળે છે. જો આ અસંતોષ વધશે તો તેની રાજકીય અસર પણ પડી શકે છે.
5. પાકિસ્તાનની આંતરિક નબળાઈ અને કૂટનીતિક લાભ
જો પાકિસ્તાન ગંભીર આર્થિક અને રાજકીય સંકટમાં ફસાઈ જશે તો ભારત માટે સૌથી મોટી તક ઊભી થઈ શકે છે. સતત વધતું દેવું, રાજકીય અસ્થિરતા અને સુરક્ષા પડકારોથી પાકિસ્તાન માટે PoK જેવા દૂરના વિસ્તારો પર નિયંત્રણ જાળવવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં જો PoKમાં મોટું રાજકીય આંદોલન ઊભું થાય તો ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર દલીલ કરી શકે છે કે, ત્યાંના લોકોની લોકશાહી ઇચ્છાનું સન્માન થવું જોઈએ. જોકે, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC), ચીનના વ્યૂહાત્મક હિતો, સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ જેવા પરિબળો આ સમગ્ર મુદ્દાને ખૂબ જ જટિલ બનાવે છે.
શું યુદ્ધ વગર PoK ભારતના નિયંત્રણમાં આવી શકે?
સૈદ્ધાંતિક રીતે જો PoKમાં વ્યાપક જનાક્રોશ ઊભો થાય, પાકિસ્તાનનો વહીવટ નબળો પડે અને સ્થાનિક લોકો વૈકલ્પિક રાજકીય વ્યવસ્થાની માંગ કરે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ વ્યવહારિક રીતે આ ખૂબ જ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે. તેનું કારણ એ છે કે, PoKમાં તમામ લોકો એકસરખું રાજકીય વલણ ધરાવતા નથી, પાકિસ્તાન ત્યાં સૈન્ય હાજરી જાળવી રાખે છે અને CPECમાં ચીનના મોટા રોકાણને કારણે આ વિસ્તાર માત્ર ભારત-પાકિસ્તાનનો નહીં પરંતુ સમગ્ર પ્રાદેશિક ભૂ-રાજકારણનો મુદ્દો બની ગયો છે. તેથી કોઈપણ મોટા પરિવર્તનની અસર આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ પડી શકે છે.
