– *૧૩ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અને ૭ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર*
– *NDRFની ૧૭ અને SDRFની ૩૩ સહિત કુલ ૫૦ ટીમો તૈનાત*
– *નાગરિકોને સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ*
***************
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા વ્યાપક પૂર્વતૈયારી હાથ ધરવામાં આવી છે. રાજ્યના તમામ સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ સંભવિત અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ તથા ૭ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં રાહત, બચાવ અને પૂર્વસાવચેતીના પગલાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. સંભવિત પૂરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી અગાઉથી શરૂ કરવામાં આવી છે અને જરૂરીયાત મુજબ સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
રાજ્યમાં ત્વરિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે NDRFની ૧૭ ટીમો અને SDRFની ૩૩ ટીમો, એમ કુલ ૫૦ ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં NDRFની ત્રણ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ઉપરાંત, જિલ્લામાં ઉપલબ્ધ તમામ બચાવ બોટ અને તેના સંચાલકોનું મેપિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય.
રાહત કમિશનરે જણાવ્યું હતું કે હાલ સક્રિય હવામાન પ્રણાલીને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા વહીવટી તંત્રને સતત સતર્ક રહી પરિસ્થિતિ પર નજર રાખવા તથા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે મેડિકલ ઇમરજન્સી અથવા અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, અફવાઓથી દૂર રહેવું, નદી-નાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.
સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે કે માનવજીવનની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પરિસ્થિતિ પર ચોવીસે કલાક નજર રાખીને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
