*પોરાનાશક કામગીરી, ક્લોરીનેશન ટેબ્લેટનું વિતરણ અને ટી.બી. દર્દીઓની ગૃહ મુલાકાત લેવાઈ; બદપુરમાં બોર ઓપરેટર સાથે ક્લોરીનેશન સુનિશ્ચિત કરાયું*
**********
ગાંધીનગર તા.૩૧ જુલાઈ –
અર્બન હેલ્થ સેન્ટર-૨, કલોલના આરોગ્ય કર્મચારીઓ અને મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર દ્વારા વિસ્તારના વિવિધ હાઈરિસ્ક વિસ્તારોમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા નિયંત્રણ અર્થે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ કામગીરી અંતર્ગત સોમનાથ નગર-૧, અબરાર સોસાયટી, રહીમપુરા, ગણપતિ સોસાયટી, ગણપતિ ના છાપરા, કર્મભૂમિ સોસાયટી, સરઢવવાળો બંગલો અને વાઘરી ના છાપરા જેવા વિસ્તારોમાં આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી હતી. જેમાં હાઈરિસ્ક વિસ્તારોમાં અબેટ કામગીરી, પોરાનાશક કામગીરી અને ક્લોરીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક રહીશોને પોરા નિદર્શન કરાવીને મચ્છરના ઉપદ્રવ અંગે માહિતગાર કરાયા હતા તેમજ પીવાના પાણીમાં ક્લોરીન ટેબ્લેટનો સાચો અને યોગ્ય વપરાશ કેવી રીતે કરવો તેની સરળ સમજણ આપવામાં આવી હતી. આ તકે હેલ્થ સુપરવાઈઝર દ્વારા વિસ્તારમાં કરવામાં આવેલી વાહકજન્ય અને પોરાનાશક કામગીરીનું સ્થળ પર જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ટીમ દ્વારા હાઈરિસ્ક ટી.બી. દર્દીઓની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમના સ્વાસ્થ્યની તપાસ કરી યોગ્ય તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુષ્માન આરોગ્ય મંદિર નવાનગર હેઠળના બદપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી. જ્યા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગામના બોર ઓપરેટર સાથે મળીને પીવાના પાણીમાં નિયમિત ક્લોરીનેશન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પોતાના ઘરની આસપાસ સફાઈ રાખવા અને પીવાનું પાણી શુદ્ધ વાપરવા અપીલ કરવામાં આવી છે.

