*દર્દી નારાયણની સેવા માટે PHC વાઈઝ ૪૦ અને તાલુકા દીઠ ૧ રેપિડ રિસ્પોન્સ ટીમ સજ્જ*
**********
*૧૭૪ ફિલ્ડ ટીમો દ્વારા સતત હેલ્થ સ્ક્રીનીંગ, ક્લોરીનેશન અને જરૂરી દવાનું વિતરણ*
**********
*આ સપ્તાહમાં ડિલિવરીની મુદત ધરાવતી સગર્ભા મહિલાઓ માટે વિશેષ આયોજન અને સતત સંપર્ક*
**********
ગાંધીનગર તા.૩૧ જુલાઈ –
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે ‘એલર્ટ મોડ’ પર આવી ગયું છે. ચોમાસાની સ્થિતિમાં નાગરિકો અને દર્દી નારાયણને જરાય તકલીફ ન પડે તે હેતુથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે વ્યાપક અને આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આપત્તિના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ૪૦ અને તાલુકા દીઠ ૧ એમ મળીને કુલ ૪૪ રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ તમામ ટીમો એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર માટેની જરૂરી દવાઓ અને અન્ય કટોકટીની સામગ્રી સાથે ૨૪×૭ સજ્જ રાખવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ૧૭૪ ટીમો હાલ ગ્રાઉન્ડ લેવલ પર સતત સર્વેલન્સ કરી રહી છે. આ ટીમો દ્વારા લોકોનું સતત હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. રોગચાળો ન ફેલાય તે માટે વિસ્તારોમાં પીવાના પાણીનું ક્લોરીનેશન તથા દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ જરૂરિયાતમંદ નાગરિકોને સ્થળ પર જ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
સંભવિત ભારે વરસાદ દરમિયાન સગર્ભાઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અઠવાડિયા દરમિયાન જે સગર્ભા મહિલાઓની ડિલિવરીની સંભવિત તારીખ છે, તેમની સાથે આરોગ્ય તંત્ર સતત સંપર્કમાં છે અને તેમને સમયસર સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા માટેનું અગાઉથી આયોજન કરી લેવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ઉકાળેલું પાણી પીવા અને કોઈપણ આરોગ્ય વિષયક કટોકટીના સમયે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
