Mumbai news: મુંબઈ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, ‘મ્યુલ બેંક અકાઉન્ટ’ ગેંગ પકડાઈ, 7 આરોપીઓની ધરપકડ

Spread the love

મુંબઈમુંબઈ પોલીસની સાયબર ક્રાઈમ શાખાએ સાયબર ઠગાઈ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ‘મ્યુલ બેંક અકાઉન્ટ’ના માધ્યમથી કરોડો રૂપિયાની સાયબર ઠગાઈની રકમ આંચકી લેનાર એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે આ પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી 10 લાખ રૂપિયા રોકડા, 16 મોબાઈલ ફોન, 23 સિમ કાર્ડ, 22 ચેકબુક, 31 કંપનીઓના સ્ટેમ્પ, બેંક અકાઉન્ટ કિટ, કેશ કાઉન્ટિંગ મશીન અને મોટી સંખ્યામાં બેંકિંગ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના બેંક ખાતાનો સંબંધ દેશભરમાં નોંધાયેલા 84થી વધુ સાયબર અપરાધો સાથે છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર પોલીસ સ્ટેશન, મધ્ય વિભાગ (વરલી)ને 29 જુલાઈએ ગુપ્ત માહિતી મળી હતી કે સલમાન પઠાણ અને તેના સાથીઓ ઈન્ડિયન ઓવરસીઝ બેંકની બોરીવલી અથવા માહિમ શાખામાં સાયબર ઠગાઈથી મેળવેલી રકમ ઉપાડવા આવવાના છે. આ માહિતીના આધારે પોલીસે બોરીવલી પશ્ચિમ સ્થિત બેંકની બહાર જાળ બિછાવી હતી. જેવા આરોપીઓ બેંકમાંથી 10 લાખ રૂપિયા રોકડા ચેક દ્વારા બહાર લઈને આવ્યા અને બીજા 10 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે સ્થળ પર જ તેમને ઝડપી લીધા હતા.

પૂછપરછ બાદ પોલીસે સલમાન પઠાણના ભાયંદર પશ્ચિમ સ્થિત કે.જી.એન. એન્ટરપ્રાઈઝિસ અને મીરા રોડ સ્થિત રિચા એન્ટરપ્રાઈઝિસ કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા. અહીંથી ગેંગના ચાર અન્ય સભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ બનાવટી કંપનીઓ અને દસ્તાવેજોના માધ્યમથી ‘મ્યુલ બેંક અકાઉન્ટ’ ખોલાવતા હતા. આ ખાતાઓમાં સાયબર ઠગાઈની રકમ જમા કરાવવામાં આવતી હતી અને બાદમાં ચેક દ્વારા રોકડા ઉપાડીને ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચાડવામાં આવતી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ સલમાન હબીબ પઠાણ, સાજીદ નિશારઅહમદ કોઠાવાલા, ચિરાગ કેતન ટોપરાણી, સૈયદ વજાહત વાહિઉદ્દીન, રાકેશ રમાશંકર મિશ્રા, રક્ષિત કે. રાજેન્દ્ર હેગડે અને આર્યન રિતેશ ઠક્કર તરીકે થઈ છે. આરોપીઓ પાસેથી 10 લાખ રૂપિયા રોકડા, 16 મોબાઈલ ફોન, 23 સિમ કાર્ડ, 22 ચેકબુક, 31 કંપનીઓના સ્ટેમ્પ, 7 બેંક અકાઉન્ટ કિટ, એક કેશ કાઉન્ટિંગ મશીન, બેંક ખાતા ખોલવાના દસ્તાવેજો, આધાર-પાન કાર્ડની નકલો અને બે બેંક અકાઉન્ટ ઓપનિંગ ટેબ જપ્ત કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા બેંક ખાતાઓની જ્યારે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ચકાસણી કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં નોંધાયેલા ૮૪થી વધુ સાયબર અપરાધોમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે ગુના ક્રમાંક 106/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમો 319(૨), 318(૪), 61(2), 3(5) અને આઈ.ટી. એક્ટની કલમ 66-ડી હેઠળ ગુનો નોંધીને તમામ સાત આરોપીઓની ધરપકડ કરી છે. હવે પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અને સાયબર ઠગાઈના સમગ્ર નાણાકીય તંત્રની તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાનું બેંક ખાતું કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ઉપયોગ માટે ન આપે, અજાણી લિંક અને ટેલિગ્રામ-વોટ્સએપ જૂથોથી દૂર રહે તથા કોઈપણ સાયબર ઠગાઈની સ્થિતિમાં તુરંત 1930 હેલ્પલાઈન પર કૉલ કરે અથવા રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવે. હાલમાં પોલીસ આ સમગ્ર સાયબર નેટવર્કના અન્ય સભ્યોની શોધખોળમાં જોડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *