પતિએ ગમતો શૉ જોવા રિમોટ લઈ ચેનલ ફેરવી અને પત્નીએ પિત્તો ગુમાવ્યો, દાતરડું લઈ મોઢા અને માથામાં એવા ઊંડા ઘા કર્યા કે સારવાર કરનારા ડૉક્ટરો પણ દંગ રહી ગયા

Spread the love

ટીવી રિમોટ કંટ્રોલને લઈને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થવી એ ઘરોમાં સામાન્ય બાબત છે, પરંતુ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રિમોટથી પોતાની પસંદગીની ચેનલ લગાવવાની એક નાની સરખી વાત લોહીયાળ જંગમાં ફેરવાઈ ગઈ, જેમાં ક્રોધે ભરાયેલી પત્નીએ પતિ પર દાતરડા (હંસિયા) વડે જીવલેણ હુમલો કરી દીધો.આ ઘટના ભોપાલના છોલા મંદિર વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક મજૂર યુવક પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે હાથમાં રિમોટ લઈને પોતાની પસંદગીની ચેનલ બદલી નાખી. પત્નીને આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેણે વિરોધ કર્યો. જોતજોતામાં બંને વચ્ચે ભારે બોલાચાલી શરુ થઈ ગઈ. ગુસ્સો એટલો વધી ગયો કે પત્નીએ ઘરમાં રાખેલું ધારદાર દાંતરડું ઉપાડીને પતિ પર ઘા કરી દીધો.

 

પતિ લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ

 

દાતરડાનો સીધો ઘા પતિના માથા અને ગાલ પર વાગતા તે લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યો. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

 

ઘટનાની જાણ થતાં જ છોલા મંદિર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત પતિનું નિવેદન નોંધીને પત્ની વિરુદ્ધ FIR દાખલ કરી છે.

 

પોલીસે શરૂ કરી તપાસ

 

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સરસ્વતી તિવારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ટીવી ચેનલ બદલવા બાબતે જ વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. દંપતીને બે બાળકો છે અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમની વચ્ચે અગાઉ પણ નાની નાની વાતોમાં ઝગડા થતા હતા. હાલમાં આરોપી પત્નીની ધરપકડ કરવા માટે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *