પવનચક્કીના વિશાળ પાંખિયા ભરીને ભુજ જઈ રહેલા એક હેવી ટ્રેલરને પાલનપુરના એરોમા સર્કલ નજીક અકસ્માત નડયો હતો. ડીસા હાઈવે પરથી પસાર થતી વખતે ઉપરથી જતી જેટકોની જીવંત હાઈન્ટેન્શન વીજ લાઈન ટ્રેલરને સ્પર્શી જતાં સમગ્ર વાહનમાં કરંટ પ્રસરી ગયો હતો અને ટાયરોમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ટ્રેલરના ચાલક અને ખલાસી બંને વીજ કરંટની ચપેટમાં આવતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.મધ્યપ્રદેશથી પવનચક્કીના વિશાળ પાંખિયા ભરીને ભુજ તરફ જઈ રહેલા એક હેવી ટ્રેલરને પાલનપુરના એરોમા સર્કલ નજીક અકસ્માત નડયો હતો. ડીસા હાઈવે પરથી પસાર થતી વખતે માર્ગ પરથી પસાર થતી જેટકોની હાઈટેન્શન જીવંત વીજ લાઈન ટ્રેલરને અડી જતાં અચાનક ભાગ ભભુકી ઉઠી હતી. જેના કારણે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. વીજ લાઈન સ્પર્શી જતાં સમગ્ર ટેલરમાં વીજપ્રવાહ ધસી આવ્યો હતો. આ સમયે વાહન રોકવાનો ઈશારો કરી રહેલા ખલાસી સુનીલને હાથના ભાગે ગંભીર કરંટ લાગ્યો હતો. જ્યારે કેબિનનો દરવાજો ખોલી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલા ચાલક વિકાસ પણ દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. આગની તીવ્રતાને કારણે ટ્રેલરના ટાયરો સળગી ઉઠયા હતા. બનાવની જાણ થતાં જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના કારણે હાઈવે પર સર્જાયેલી ટ્રાફિકજામની સમસ્યાને પોલીસે સ્થળ પર પહોંચીને થાળે પાડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.