ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં વેચાણ નોંધો મંજૂર કરવાની પ્રક્રિયાને વધુ સરળીકૃત, ઝડપી અને પારદર્શક બનાવવા માટે 135 Dમાં ફેરફાર કર્યા બાદ હવે તેનો અમલ કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરી છે. આ અંગે મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડીને કરવામાં આવેલા ફેરફારો અનુસાર ઈ-ધરા કેન્દ્રોમાં વેચાણ નોંધોના નિકાલ માટેની નવી કાર્યપદ્ધતિ અને સ્વ-ઘોષણાપત્ર અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.આમ, હવે દસ્તાવેજ નોંધણી વખતે વિવાદ વગરના કિસ્સાઓમાં 30 દિવસની રાહ જોવાના બદલે તે જ દિવસે પાકી એન્ટ્રી પાડવામાં આવશે.
નવી પ્રક્રિયા મુજબ, ખેતની જમીનની વેચાણ નોંધ મંજૂર કરતી વખતે દરેક વેચાણ લેનારે પરિશિષ્ટ-1 મુજબનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. આ સ્વ-ઘોષણાપત્રમાં ખરીદનારે પોતે બિનખેડૂત નથી અને રાજ્યમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ખેતીની જમીન ધારણ કરવા માટે પાત્ર ખાતેદાર છે. છેલ્લા 25 વર્ષથી ખેડૂત ખાતેદાર હોવા અંગેની અને હાલમાં ધારણ કરેલી જમીનની વિગતો સહિતની બાબતો દર્શાવવાની રહેશે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સ્વ-ઘોષણાપત્રમાં જો કોઈ ખરીદનાર ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી અથવા દસ્તાવેજો રજૂ કરશે તો તે ફોજદારી ગુનો બનશે.
નવા વર્ક-ફ્લો અનુસાર જમીન નોંધણી પ્રક્રિયા બે મુખ્ય ચેનલમાં વહેંચવામાં આવી છે. જેમાં 0 ડે ચેનલમાં જો જમીનના તમામ વેચાણ લેનાર સ્વ-ઘોષણાપત્ર રજૂ કરે, જમીનના રેકોર્ડ પર છેલ્લા 1 વર્ષથી કોઈ ફેરફાર નોંધાયેલ ન હોય, તમામ હિતધારકોએ વેચાણ દસ્તાવેજ કરી આપેલા હોય અને જમીન પર કોઈ કોર્ટ કેસ કે વિવાદ ન હોય, તો આવી નોંધોનો નિકાલ ‘0 ડે ચેનલ’ હેઠળ ત્વરિત કરવામાં આવશે. જ્યારે 7-ડે નોટિસ ચેનલમાં જો ખરીદનાર સ્વ-ઘોષણાપત્ર રજૂ ના કરે અથવા જમીન પર કોઈ કેસ કે વિવાદ પેન્ડિંગ હોય તો આ કેસ આપોઆપ 7 દિવસની નોટિસ ચેનલમાં જશે. 7 દિવસની નોટિસ સમયગાળા દરમિયાન વાંધો આવે તો કેસ પ્રાંત અધિકારી સમક્ષ નિર્ણય માટે મોકલવામાં આવશે.
સરળ રીતે સમજીએ 135 D શું છે
મહેસૂલ વિભાગના ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 135-D જમીન કે મિલકતની એન્ટ્રી અને તેની નોટિસ બજવણી સાથે જોડાયેલી છે. જ્યારે પણ જમીન કે મિલકતના ખરીદ-વેચાણ, હક્ક કમી કે વારસાઈ જેવા કોઈ વ્યવહારો થાય ત્યારે રેવન્યુ રેકોર્ડમાં તેની નોંધ પાડવામાં આવે છે. આ નોંધ અંગે સંબંધિત પક્ષકારો કે હિત ધરાવનાર અન્ય વ્યક્તિઓને જાણ કરવા અને તેમના તરફથી કોઈ વાંધા-અરજી હોય તો તે મંગાવવા માટે જે નોટિસ આપવામાં આવે છે, તેની જોગવાઈ કલમ 135-D હેઠળ કરવામાં આવી છે. અગાઉ જમીન વ્યવહારની નોંધ પડ્યા પછી કલમ 135-D હેઠળ વિવાદ વગરના કિસ્સાઓમાં પણ નોટિસ આપવી અને તેનો 30 દિવસનો ફરજિયાત સમયગાળો પૂરો થવાની રાહ જોવી પડતી હતી. જેના કારણે દસ્તાવેજ થયા પછી રેકોર્ડ પર ‘પાકી એન્ટ્રી’ થવામાં લાંબો સમય લાગતો હતો. લોકોને જમીન વ્યવહારોમાં ઝડપ અને સરળતા રહે તે માટે સરકારે આ પ્રક્રિયામાં સુધારા કર્યા છે. જે અનુસાર, જો જમીનનો વ્યવહાર સ્પષ્ટ અને વિવાદ વગરનો હોય તેમજ તમામ હકદારોની સહમતિ હોય, તો 30 દિવસના લાંબા સમયગાળાની રાહ જોયા વગર તે જ દિવસે ‘પાકી એન્ટ્રી’* પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ખાસ અથવા તપાસવાળા કિસ્સાઓમાં જે 30 દિવસનો નોટિસ સમયગાળો હતો, તેને ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે.
આ ફેરફારના લાભ અને ગેરલાભ શુંં ?
આ ફેરફારના લાભ જોઈએ તો, અગાઉ 30 દિવસનો ફરજિયાત રાહ જોવાનો સમયગાળો હતો, જે ઘટીને માત્ર 7 દિવસ થવાથી અથવા બિન-વિવાદિત કેસોમાં તે જ દિવસે કામ પૂરું થવાથી નાગરિકોનો કિંમતી સમય બચે છે. જમીન વેચાણ, ગિફ્ટ કે વારસાઈ જેવા વ્યવહારો પછી ગામ નમૂના નંબર-6 પર નામ ચઢવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે. ડિજિટલ ઇન્ડિયા અને ઓનલાઈન રેવન્યુ રેકોર્ડ્સ સાથે આ પ્રક્રિયા ઝડપી બનવાથી બિનજરૂરી ધક્કામાંથી મુક્તિ મળે છે. વારસાઈ કે સ્પષ્ટ વ્યવહારોમાં વાંધા અરજી ન હોય છતાં લાંબા સમય સુધી ફાઈલ પેન્ડિંગ રહેતી, જેનાથી નાગરિકોને હવે મોટી રાહત મળી છે. જોકે, આ ફેરફારના લાભ સાથે ગેરલાભ પણ છે. જેમાં, નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવાથી અથવા બિન-વિવાદિત કિસ્સાઓમાં સીધી એન્ટ્રી પડવાથી, જે હકદારો બહારગામ રહેતા હોય કે અજાણ હોય તેમને કાનૂની વાંધો લેવા માટે પૂરતો સમય મળતો નથી. જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજો અથવા ખોટી વારસાઈ એન્ટ્રી ઊભી કરી દે, તો તે ઝડપથી ‘પાકી’ થઈ જવાની સંભાવના વધી જાય છે, જેનાથી અસલ માલિકોએ પછીથી કોર્ટ કે કચેરીના લાંબા ચક્કર કાપવા પડી શકે છે. ક્યારેક પક્ષકારો દ્વારા વિવાદિત કિસ્સાઓને પણ ‘બિન-વિવાદિત’ તરીકે રજૂ કરીને એન્ટ્રી મંજૂર કરાવી લેવાના ગેરરીતિના કિસ્સાઓ બનવાનું જોખમ રહે છે. વારસાઈ કે હક્ક છોડવાના કિસ્સાઓમાં પરિવારના અન્ય સભ્યોને કાયદાકીય સલાહ લઈને વાંધો નોંધાવવા માટે 7 દિવસનો સમય ઘણો ટૂંકો સાબિત થઈ શકે છે.
