ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 8 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 12 વાગ્યે મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય બંધારણની કલમ 174(1) હેઠળ વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ રાજ્યપાલે ગુજરાત વિધાનસભાને ગાંધીનગર સ્થિત વિધાનસભા હોલમાં 8 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 12 વાગ્યે મળવા માટે આહવાન કર્યું છે એટલે આગામી વિધાનસભા સત્રની સત્તાવાર તારીખ અને સમય નક્કી થઈ ગયા છે.
રાજ્યપાલના આદેશથી સત્રનું આહ્વાન
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જારી કરાયેલા આદેશમાં બંધારણની કલમ-174ની જોગવાઈ હેઠળ વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ચેતન પંડ્યાના હસ્તાક્ષર સાથે આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, વિધાનસભાની બેઠક 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે ગાંધીનગરના વિધાનસભા હોલમાં યોજાશે.
સત્રમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા
આગામી વિધાનસભા સત્રમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને વરસાદ અને ખેતીને થયેલા નુકસાન, ખેડૂતોના પ્રશ્નો, સરકારી યોજનાઓ, શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને રાજ્યના વિકાસલક્ષી કામો સહિતના મુદ્દાઓ ગૃહમાં ઉઠી શકે છે. સત્ર દરમિયાન સરકાર તરફથી વિવિધ વિધેયકો, સુધારા અને સરકારી કામગીરી સંબંધિત દરખાસ્તો ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ વિપક્ષ પણ પ્રજાને લગતા વિવિધ પ્રશ્નો અંગે સરકાર પાસેથી જવાબ માંગી શકે છે.
8થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર યોજાશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કર્યું છે. 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી સત્ર ચાલશે. આ દરમિયાન સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવનાર મુદ્દાઓ પર કાર્યવાહી થશે. સત્ર દરમિયાન ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે સત્રના આહ્વાનની તારીખથી એક અઠવાડિયા સુધી ઓનલાઈન પ્રશ્નો રજૂ કરી શકશે, જેની સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થઈ શકશે.
