શહેરના ટીપી-9 સરગાસણ વિસ્તારમાં ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) દ્વારા અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સુપ્રત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતાં હવે તેના સંચાલનની જવાબદારી મનપા સંભાળશે. ટૂંક સમયમાં કોમ્પ્લેક્સનો સત્તાવાર કબજો મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરગાસણ ખાતે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિર્માણ પૂર્ણ થયા બાદ તેના સંચાલન માટે ગુડા દ્વારા ખાનગી એજન્સી નિયુક્ત કરવા પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને તે માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે હવે નીતિગત નિર્ણય હેઠળ કોમ્પ્લેક્સનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કોમ્પ્લેક્સ મનપાને સુપ્રત થયા બાદ તેની દૈનિક કામગીરી, જાળવણી, સભ્ય નોંધણી, રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ અન્ય વહીવટી કામગીરી માટે મહાનગરપાલિકા અલગથી એજન્સી નિયુક્ત કરશે.
એજન્સીની પસંદગી માટે મનપા દ્વારા ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
