જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) અને જિલ્લા કોર્ટ સંકુલમાં પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે દરરોજ અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ રહી છે.
વાહનોના આડેધડ પાર્કિંગ તેમજ પાર્કિંગ વિસ્તારમાં થયેલા દબાણોના કારણે માર્ગો અવરોધાતા અરજદારો, વકીલો, કર્મચારીઓ અને અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કટોકટીના સમયે વાહન તાત્કાલિક બહાર કાઢવું પણ મુશ્કેલ બનતું હોવાની ફરિયાદ ઉઠી છે. દરરોજ મોટી સંખ્યામાં આ કચેરીઓમાં અરજદારો, વકીલો અને પક્ષકારો આવે છે.
આ મુદ્દે કોંગ્રેસ સમિતિના વોર્ડ નં. 3ના પ્રમુખ મેહુલ પટેલે જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કલેક્ટર કચેરીને અડીને આવેલા પાર્કિંગ વિસ્તારમાં દબાણો દૂર કરીને પાર્કિંગ માટે યોગ્ય માર્કિંગ કરવામાં આવે તો હાલ ઉપયોગમાં ન આવતી જગ્યા કાર્યક્ષમ બની શકે. કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને પોસ્ટ ઓફિસમાં આવતા વાહનોનું પણ સુવ્યવસ્થિત પાર્કિંગ થઈ શકે તેમ છે.
રજૂઆતમાં કલેક્ટર કચેરીની બહારના આડેધડ પાર્કિંગને પણ વ્યવસ્થિત કરવાની તેમજ બ્લોક પેવિંગ દ્વારા ઇકો-ફ્રેન્ડલી પાર્કિંગ વિકસાવવાની માંગ કરવામાં આવી છે. દરરોજ મોટી સંખ્યામાં આ કચેરીઓમાં અરજદારો, વકીલો અને પક્ષકારો આવે છે. તેમના વાહનો અને કર્મચારીઓના વાહનો માટે સંકુલમાં પાર્કિંગ વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.
