MLA ક્વાર્ટરમાં ધારાસભ્યોને ‘શાહી’ સુવિધા! હવે 12 મહિના સ્વિમિંગ પુલનો આનંદ

Spread the love

જનતાના સેવકો એટલે કે ધારાસભ્યો માટે ગાંધીનગરના સેક્ટર-17માં 325 કરોડના ખર્ચે લક્ઝુરીયસ ફ્લેટની ટાઉનશીપ તૈયાર કરવામાં આવ્યા બાદ પ્રજાના પ્રતિનિધિઓ માટે વધુને વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે.

 

ધારાસભ્યોને નવરાશની પળોમાં સ્વીમીંગ પુલમાં સ્નાનની મજા માણવામાં પડતી અગવડોને ધ્યાનમાં રાખીને હવે એમએલએ કેમ્પસમાં સ્વીમીંગ પુલને ચોતરફથી કવર કરવામાં આવશે. આ પ્રકારે ઓલ વેધર સ્વીમીંગ પુલની સુવિધા આપવામાં આવશે.

 

ગાંધીનગરના સેક્ટર-17માં આવેલા નવા MLA ક્વાર્ટરમાં ધારાસભ્યોને વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. જીમ, સ્વીમીંગ પુલ, યોગ સેન્ટર, કેન્ટીન, મલ્ટી પર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, દવાખાનું, પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓ બાદ હવે સ્વિમિંગ પુલને ‘’ઓલ વેધર’’ બનાવવા માટે તેની ઉપર વિશાળ સ્ટીલ સ્ટ્રક્ચરવાળું કવરિંગ તૈયાર કરાશે.

 

આ કામગીરી પાછળ અંદાજે 80.46 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સ્વિમિંગ પુલનો ઉપયોગ તડકો અને વરસાદ સહિત વિવિધ હવામાનની સ્થિતિમાં પણ વધુ સરળ બની શકશે. કવરિંગ માટે સ્ટીલ સ્ટ્રક્ચર, રૂફિંગ, ફાઉન્ડેશન, ફ્લોરિંગ, ટાઇલ્સ અને અન્ય જરૂરી કામગીરી કરવામાં આવશે.

 

કામગીરી ત્રણ મહિનામાં પૂર્ણ કરવા લક્ષ્યાંક અપાયો છે. હાલ સ્વીમીંગ પુલ ખુલ્લો હોવાથી ધારાસભ્યો તેનો છૂટથી ઉપયોગ કરી શકતા નહીં હોવાની રજૂઆતો મળતાં સ્વીમીંગ પુલને કવર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપર શેડ બનશે જ્યારે સાઇડમાં પણ સેક્શન ઉભા કરીને પુલ, શાવર બાથ, ચેજીંગ રૂમ સહિતનો સમગ્ર પુલ એરીયા કવર કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *