અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂૂબરૂૂ મળી વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એસપી કચેરી સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત સમાજે વિવિધ કેસોમાં ન્યાય અને પ્રશાસનની કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.રજુઆત દરમિયાન અમરેલી તાલુકાના આંકડિયા ગામમાં થોડા સમય અગાઉ બે જૂથ વચ્ચે થયેલી મારામારીના બનાવનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં સામસામે ગુનાઓ નોંધાયા હોવા છતાં દલિત સમાજના લોકોમાં પોલીસ કાર્યવાહી અંગે અસંતોષ જોવા મળ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ઉપરાંત ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત ખેડૂતો અને ખેતમજૂરોને ફાળવાયેલી અંદાજે પાંચ હજાર એકર જમીનની માપણી ન થવી, જમીન પર દબાણ થવાના આક્ષેપો તેમજ અન્ય અનેક પ્રશ્નો અંગે પણ કલેક્ટર અને એસપી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે એક જ ઘટનામાં અલગ-અલગ સમાજના લોકો સાથે પોલીસ દ્વારા જુદું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે એક સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવે છે, જ્યારે બીજા સમાજના લોકોને તે જ પ્રકારની સુવિધા મળતી નથી. આ પ્રકારનું ભેદભાવપૂર્ણ વર્તન સ્વીકાર્ય નથી અને બાકી રહેલા આરોપીઓને પણ પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જીગ્નેશ મેવાણીએ કસ્ટોડિયલ ટોર્ચરના એક જૂના કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સુંદરવા પરિવારના એક યુવકના મૃત્યુ બાદ તત્કાલીન કલેક્ટરે પરિવારને ખેતીની જમીન આપવાની લેખિત બાંહેધરી આપી હતી, પરંતુ દસ વર્ષ વીતી જવા છતાં તેનો અમલ થયો નથી. આ સહિતના તમામ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી હતી.
જીગ્નેશ મેવાણીએ ચેતવણી આપી કે આગામી 24થી 48 કલાકમાં દલિત સમાજના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો સાથે પહોંચી વિરોધ નોંધાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે પોતાની માલિકીની જમીન પર દબાણ કેમ થાય છે તે સહિતના પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવવામાં આવશે
