સગીરે કાળો કેર વર્તાવ્યો, બોલેરોથી આંગણામાં બેઠેલા ત્રણ લોકોને કચડ્યા, બેના મોતઃ ગુજરાતની ઘટના

Spread the love

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીંની વૃંદાવન સોસાયટીમાં એક સગીર વયના કારચાલકે પોતાની કાળા કલરની બોલેરો કાર ગફલતભરી રીતે હંકારીને ઘરના આંગણામાં બેઠેલા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં એક વૃદ્ધા અને એક સગીરાનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મળતી માહિતી મુજબ, સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર કીચડમાં ફસાઈ ગઈ હતી. કારચાલક સગીરે ગાડીને બહાર કાઢવા માટે જોરથી એક્સિલેટર આપ્યું હતું. તેના કારણે કાર પરનો કાબૂ છૂટી ગયો હતો અને ગાડી અચાનક પૂરઝડપે આગળ ધસી આવી હતી. આ પૂરઝડપે આવતી કારે ઘરના આંગણામાં પગથિયાં પર બેઠેલાં કંચનબેન દરજી, તેમની પૌત્રી હાર્વી અને પડોશમાં રહેતી સગીરા સોનલબેનને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટીને જમીનદોસ્ત થઈ ગયા હતા.

 

સારવાર દરમિયાન બેના મોત, બાળકીને ગંભીર ફ્રેક્ચર

 

અકસ્માત સર્જીને કારચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન કંચનબેન દરજીનું મહેસાણાની હોસ્પિટલમાં અને સોનલબેનનું અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. જ્યારે માસૂમ બાળકી હાર્વીને થાપાના ભાગે ગંભીર ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

૧૦૦થી વધુની સ્પીડ હોવાનો આક્ષેપ, કડક સજાની માંગ

 

ઈજાગ્રસ્તોના સંબંધી જીતુ દરજીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાંજે સાડા સાત વાગ્યાના સુમારે તેમના કાકી અને પડોશી પરિવાર ઘરના પગથિયાં પર બેસીને વાતો કરી રહ્યા હતા. તે સમયે બોલેરો ચાલકે બેફામ રીતે ૧૦૦થી વધુની સ્પીડે ગાડી ચલાવીને નિર્દોષ લોકો પર ચડાવી દીધી હતી. આ ભયાનક કાંડ બાદ સ્થાનિકો અને પીડિત પરિવારે પોલીસ તથા સરકાર પાસે માગ કરી છે કે ત્વરિત કડક પગલાં ભરીને ભાગી છૂટેલા આરોપીને વહેલી તકે ઝડપી પાડી સખતમાં સખત સજા કરવામાં આવે. હાલ બહુચરાજી પોલીસે બોલેરો ચાલક દક્ષ સૈની સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *