ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દરોડા દરમિયાન જે થયું, તે જોઈને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે નોટબુક અને પુસ્તકો વેચતા વેપારીની દુકાન અને ઘરેથી 5.6 ટન એટલે કે 5,666 કિલોગ્રામના સિક્કા જપ્ત કર્યા છે. પ્લાસ્ટિકની 106 બોરીઓમાં ભરેલા આ સિક્કાઓનો શું ઉપયોગ થવાનો હતો? તેમને આટલી મોટી સંખ્યામાં શા માટે જમા કરવામાં આવ્યા અને તેમની સપ્લાય ક્યાં થવાની હતી?હકીકતમાં, નોટબુક-પુસ્તકો વેચતા નવીન કુમારની દુકાન અને તેના મકાન પર 1 ઓગસ્ટે જિલ્લા તંત્ર અને પોલીસે દરોડો પાડ્યો હતો. જે પછી આ નેટવર્કનો ખુલાસો થયો હતો. આરોપી વેપારી હાલ ફરાર છે, જ્યારે પ્રાથમિક તપાસમાં કમિશનના આધારે સિક્કાના મોટા નેટવર્ક અને દિલ્હી સુધી સપ્લાય થતી હોવાના દાવા સામે આવ્યા છે. પોલીસે હાલ વેપારી વિરુદ્ધ FIR નોંધી છે અને સમગ્ર કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના પણ કરી છે.
પોલીસનું શું કહેવું છે?
SP ચિરંજીવ નાથ સિંહાએ આ મામલે કહ્યું કે, “તંત્રને માહિતી મળી હતી કે, કુમારની દુકાન અને મકાનમાં મોટી માત્રામાં સિક્કા જમા કરાયા છે. બંને જગ્યાએ પ્લાસ્ટિકની કુલ 106 બોરીઓ જપ્ત કરવામાં આવી. આટલી મોટી માત્રામાં સિક્કાઓની ગણતરી કરવી શક્ય નહોતી. તેથી અત્યારે વજનના આધારે તેની ગણતરી કરાઈ છે. કુલ વજન 5666 કિલોગ્રામ નીકળ્યું. આટલી મોટી માત્રામાં સિક્કા શા માટે જમા કરવામાં આવ્યા હતા, તે તપાસનો વિષય છે.”
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, આ ગુના માટે મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ છે. દરોડા દરમિયાન, વેપારીના એક સંબંધીએ અમને જણાવ્યું હતું કે, આ કારોબારમાં 3 થી 4 ટકાના કમિશન પર સિક્કાઓની લેવડ-દેવડ થાય છે. તેણે દાવો કર્યો કે 500 રૂપિયા અને 1,000 રૂપિયાની કિંમતના સિક્કાવાળા પેકેટ દિલ્હીમાં મેટ્રો અને રેલવે સ્ટેશનો પર મોકલવામાં આવતા હતા અને આ સિક્કા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી લવાતા હતા. પોલીસે કહ્યું કે, આ મુદ્દે હજુ ઘણા પાસાઓ સ્પષ્ટ નથી અને આરોપીની ધરપકડ અને તેની પૂછપરછ પછી વધુ માહિતી સામે આવવાની અપેક્ષા છે.
