સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના મકાનમાં ધમધમતા હાઈટેક જુગારધામ પર રેડ, 3 લાખના મુદ્દામાલ સાથે સંચાલક પોલીસકર્મી સહિત 6 પકડાયા

Spread the love

સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે એક પોલીસ કર્મચારીના જ રહેણાંક મકાન પર દરોડો પાડીને હાઈટેક જુગારના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાત મચી ગયો છે. જોરાવરનગર(Surendranagar Gambling Raid)પાછળના વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદે જુગારધામમાં ખુદ પોલીસકર્મીની સંડોવણી બહાર આવતા પોલીસ તંત્રની છબી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.રાજકોટ રેન્જની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોરાવરનગર વિસ્તારમાં આવેલા પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના મકાન પર રેડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે સંજયસિંહ પોતે જ આ જુગાર નેટવર્ક ચલાવી રહ્યો હતો, જ્યાં શેરબજારના રોજિંદા ભાવના આધારે ગ્રાહકો પાસેથી સોદા મેળવીને અલગ-અલગ 16 બ્રોકરો મારફતે કપાત કરાવવામાં આવતી હતી.

 

દરોડા દરમિયાન રેન્જની ટીમે સ્થળ પરથી જુગારના રેકેટમાં વપરાતા 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, હિસાબી નોટબુકો, વાઈફાઈ ચાર્જર અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જની ટીમ દ્વારા કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો માનવામાં આવી રહ્યો છે.

 

પોલીસે ઘટનાસ્થળેથી મુખ્ય સૂત્રધાર સંજયસિંહ સહિત કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ કર્મચારી હોવાનો ફાયદો ઉઠાવીને પોતાના જ મકાનને સુરક્ષિત અડ્ડો બનાવીને આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે મુખ્ય આરોપી સંજયસિંહ, પકડાયેલા શખ્સો અને કપાત લેનારા 16 બ્રોકરો સહિત કુલ 23 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *