દેશમાં પેપર લીક મુદ્દે સર્જાયેલા રાજકીય અને સામાજિક માહોલ વચ્ચે થયેલા સી-વોટર સર્વે (C-Voter Survey) દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે દેશમાં rahul ગાંધી, નરેન્દ્ર મોદી અને અભિજીત દિપકે આ ત્રણમાંથી કોણ વધારે લોકપ્રિય છે. યુવાઓના રાજકીય વલણ અને સરકાર પ્રત્યેની અપેક્ષાઓ અંગે આ સર્વે દ્રારા અગત્યની માહિતિ સામે આવી છે.તાજેતરમાં C-Voter દ્વારા કરવામાં આવેલા સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દેશના યુવાઓ અને સામાન્ય નાગરિકોના અભિપ્રાયો જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં પેપર લીક મુદ્દે સરકારના પગલાં, શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓ અને વિવિધ રાજકીય નેતાઓની લોકપ્રિયતા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને 39.8 ટકા લોકોએ યુવાઓમાં સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને 27.9 ટકા લોકોએ પસંદ કર્યા, જ્યારે અભિજિત દીપકે (Abhijit Deepake)ને 12.6 ટકા લોકોએ સમર્થન આપ્યું. આ પરિણામ દર્શાવે છે કે તાજેતરના આંદોલનો છતાં યુવા વર્ગમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે.
શિક્ષણ સુધાર અંગે લોકોની સરકાર પાસેથી શું અપેક્ષા?
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં સૌથી પ્રથમ કયો સુધારો થવો જોઈએ. તેના જવાબમાં 31.7 ટકા લોકોએ કડક એન્ટી પેપર લીક કાયદાને પ્રથમ પ્રાથમિકતા આપી હતી. 27.2 ટકા લોકોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આ ઉપરાંત 16.7 ટકા લોકોએ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોની સમિતિ બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી, જ્યારે 11.9 ટકા લોકોએ પરીક્ષા એજન્સીમાં મોટા ફેરફારની માંગ કરી હતી. અન્ય સુધારાઓ માટે 6.9 ટકા લોકોએ મત આપ્યો હતો, જ્યારે 5.7 ટકા લોકોએ કોઈ અભિપ્રાય આપ્યો નહોતો.
સરકારના પગલાંથી લોકો કેટલા સંતુષ્ટ?
કેન્દ્ર સરકારે પેપર લીક વિરોધી કાયદામાં સુધારા, નિષ્ણાત સમિતિની રચના અને અન્ય પગલાં લીધા હોવા છતાં લોકોનો મોટો વર્ગ હજુ સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી. સર્વે અનુસાર 33.2 ટકા લોકોએ સરકારના પગલાંથી સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે 50.7 ટકા લોકોએ અસંતોષ દર્શાવ્યો હતો. 16.1 ટકા લોકોએ આ મુદ્દે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નહોતો. આ આંકડાઓ દર્શાવે છે કે પરીક્ષા વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને વિશ્વસનીયતા માટે લોકો હજુ વધુ અસરકારક પગલાંની અપેક્ષા રાખે છે.
સંસદમાં થયેલી ચર્ચા અને રાજકીય સંદેશ
પેપર લીક મુદ્દે સંસદમાં થયેલી ચર્ચા અંગે પણ સર્વેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 35.6 ટકા લોકોએ ચર્ચાને સંતોષજનક ગણાવી હતી, જ્યારે 39 ટકા લોકોએ ચર્ચાથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. 25.3 ટકા લોકોએ કોઈ મત વ્યક્ત કર્યો નહોતો. સર્વેના આ પરિણામો દર્શાવે છે કે પેપર લીક મુદ્દો હજુ પણ દેશના યુવાઓ માટે મહત્વનો વિષય છે. સાથે જ રાજકીય નેતાઓની લોકપ્રિયતા અંગે પણ સ્પષ્ટ સંકેતો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ યુવા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે આગળ છે, જ્યારે રાહુલ ગાંધી અને અભીજિત દીપક અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે.