માફિયા ડોન અને પૂર્વ સાંસદ અતીક અહેમદના પરિવાર પર ફરી એકવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અતીકના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ હવે તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન અલ્લાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા જેલમાં બંધ અતીકના બે પુત્રો અલી અહેમદ અને ઉમર અહેમદને તેમના નાના ભાઈના જનાજામાં સામેલ થવા માટે પેરોલ મંજૂર કરી છે.જોકે, કોર્ટે આ મંજૂરી સાથે અનેક કડક શરતો પણ લગાવી છે. અલી અને ઉમર બંને અલગ-અલગ જેલોમાં બંધ છે અને બંનેએ પોતાના નાના ભાઈના અંતિમ દર્શન તથા જનાજામાં હાજરી આપવા માટે હાઈકોર્ટમાં પેરોલ અરજી કરી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અરજી સ્વીકારી, પરંતુ સ્પષ્ટ કર્યું કે, બંને ભાઈઓને માત્ર અંતિમ વિધિમાં હાજરી આપવાની મંજૂરી રહેશે. તેઓ પોલીસ સુરક્ષા હેઠળ સીધા કબ્રસ્તાન જશે અને અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ ફરી જેલમાં પરત ફરશે.
હાઈકોર્ટે પેરોલ સાથે મૂકી કડક શરતો
અલ્લાહાબાદ હાઈકોર્ટે પેરોલ મંજૂર કરતી વખતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે,અલી અહેમદ અને ઉમર અહેમદ આ દરમિયાન મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત નહીં કરે. કોર્ટના આદેશ મુજબ બંનેને પોલીસ સુરક્ષા હેઠળ જ કબ્રસ્તાન લઈ જવામાં આવશે અને જનાજાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કોઈ અન્ય સ્થળે રોકાયા વગર સીધા સંબંધિત જેલમાં પરત મોકલવામાં આવશે.
ક્યાં છે અલી અને ઉમર?
હાલ ઉમર અહેમદ લખનૌ જેલમાં જ્યારે અલી અહેમદ ઝાંસી જેલમાં બંધ છે. કોર્ટના આદેશ બાદ બંનેને પેરોલ પર બહાર લાવવા માટે કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ પોલીસ બંનેને અલગ-અલગ જેલોમાંથી કસ્ટડીમાં લઈને પ્રયાગરાજ પહોંચાડશે.
50 દિવસ સુધી પોલીસને આપતો રહ્યો ચકમો : ઝાંસીમાં ઘેરાબંધી અને STFનું ઓપરેશન… આવી રીતે થયો અતીક અહેમદના પુત્ર અસદનો એન્કાઉન્ટર
માર્ગ અકસ્માતમાં થયું હતું અબાનનું મોત
અતીક અહેમદનો સૌથી નાનો પુત્ર અબાન અહેમદ ગુરુવારે ઝાંસી નજીક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં તેના મિત્ર સોનુનું પણ મોત થયું હતું. અબાનના અચાનક અવસાન બાદ અતીકના પરિવાર અને નજીકના સગાસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હાલ ક્યાં રાખવામાં આવ્યો છે અબાનનો મૃતદેહ?
અબાનનો મૃતદેહ હાલમાં તેની ફોઈના ઘરે રાખવામાં આવ્યો છે, જ્યાં પરિવારજનો, સગાસંબંધીઓ, ગામલોકો અને સમર્થકો સતત પહોંચી રહ્યા છે. ઘટનાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
અતીકની કબરની બાજુમાં દફનાવવામાં આવશે અબાન
અબાનને પ્રયાગરાજના કસારી-મસારી સ્થિત અતીક અહેમદના પૈતૃક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ જ કબ્રસ્તાનમાં અતીક અહેમદ, તેના પિતા હાજી ફિરોઝ અહેમદ, માતા, ભાઈ અશરફ અને પુત્ર અસદ અહેમદની કબરો આવેલી છે. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, અબાનની કબર પણ અતીક અહેમદની કબરની બાજુમાં તૈયાર કરવામાં આવી છે.
અતીક પછી અસદ… હવે અબાનનું મોત : પુત્રના જનાજામાં આવશે શાઇસ્તા પરવીન? 3 વર્ષથી ફરાર અતીકની પત્નીને લઈને વધ્યું સસ્પેન્સ
મિત્ર સોનુનો પણ થશે અંતિમ સંસ્કાર
અબાન સાથે અકસ્માતમાં મૃત્યુ પામેલા તેના મિત્ર સોનુનો જનાજો પણ શુક્રવારની જુમ્માની નમાજ બાદ હટવા ગામના સ્થાનિક કબ્રસ્તાનમાં કરવામાં આવશે. બંને યુવાનોના મૃત્યુથી તેમના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારાઈ
અતીક અહેમદના પરિવાર સાથે જોડાયેલા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ પોલીસ અને સ્થાનિક પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. કસારી-મસારી કબ્રસ્તાન તેમજ આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળ, અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. જનાજા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
અતીક પરિવાર ફરી ચર્ચામાં
અતીક અહેમદ અને તેના પરિવારનું નામ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કારણોસર સતત ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2023માં અસદ અહેમદના એન્કાઉન્ટર બાદ થોડા જ દિવસોમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડી દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે નાના પુત્ર અબાનના અકસ્માતમાં મૃત્યુ બાદ પરિવાર ફરી એકવાર સમાચારોમાં છે