રોજિંદા જીવનમાં લેવડ-દેવડ દરમિયાન ઘણી વખત ગંદા, ફાટેલા કે વળેલા (Mutilated Notes) કરન્સી નોટ આપણા હાથમાં આવી જાય છે. ઘણા દુકાનદારો કે વેપારીઓ આવી નોટો સ્વીકારવાની ના પાડી દે છે, જેનાથી સામાન્ય જનતાને ઘણી મુશ્કેલી પડે છે. એવામાં હવે તમારે આવી નોટોને લઈને ગભરાવાની કે નુકસાન વેઠવાની બિલકુલ જરૂર નથી.ભારતીય રિઝર્વ બેંકના નોટ રિફંડ રૂલ્સ 2009 અને સુધારેલા 2018 હેઠળ ગંદી, ખામીયુક્ત કે કટ-ફાટ થયેલી કરન્સી નોટો બદલવાનો અધિકાર સામાન્ય નાગરિકોને આપવામાં આવ્યો છે. નોટ બદલવાની આ સુવિધા ફક્ત એ જ બેંક સુધી મર્યાદિત નથી, જ્યાં તમારું ખાતું હોય. તમે તમારી નજીકની કોઈપણ વ્યાપારી બેંકની શાખાના કાઉન્ટર પર જઈને કોઈ પણ વધારાના ચાર્જ વિના તમારી જૂની અને ફાટેલી નોટો બદલાવી શકો છો.RBI ના નિયમો અનુસાર, એવી ગંદી નોટો કે જે વધુ પડતા ઉપયોગને કારણે ગંદી અથવા હળવી ફાટેલી હોય, જેના બે કે તેથી વધુ ટુકડા થઈ ગયા હોય અથવા જેનો કોઈ ભાગ ગાયબ હોય તેને બદલી શકાય છે. આ ઉપરાંત, જેમાં પ્રિન્ટિંગની કોઈ ટેકનિકલ ખામી હોય તેવી નોટો પણ બદલાવી શકાય છે. ઘણી વખત જોવા મળે છે કે, કેટલીક બેંક શાખાઓ ગ્રાહકોની ગંદી કે ફાટેલી નોટો બદલવાનો ઇનકાર કરી દે છે. જો તમારી સાથે પણ કોઈ બેંક અધિકારી આવું કરે છે, તો તમે નીચે જણાવેલી રીતો મુજબ ફરિયાદ કરીને તે અધિકારી સામે કડક કાર્યવાહી કરાવી શકો છો.સૌથી પહેલા સંબંધિત બેંકના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરો અને બેંકના ફરિયાદ રજિસ્ટરમાં તમારી સમસ્યા નોંધાવો. બેંકની આંતરિક ફરિયાદ નિવારણ સિસ્ટમ પાસે તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે 30 દિવસનો સમય હોય છે. જો તમારી ફરિયાદ નોંધાવ્યાના એક મહિનાની અંદર બેંક સમસ્યાનો ઉકેલ ન લાવે અથવા બેંકના જવાબથી તમે સંતુષ્ટ ન હોવ, તો તમે સીધા RBI ના બેંકિંગ લોકપાલ (Banking Ombudsman) ને ફરિયાદ કરી શકો છોયાદ રાખો, કરન્સી નોટ દેશની સંપત્તિ છે અને તેને કાયદેસર રીતે બદલવાનો અધિકાર તમને કાયદા દ્વારા આપવામાં આવ્યો છે. બીજી વાર જો કોઈ ગંદી કે ફાટેલી નોટ મળે, તો તેને ફેંકી દેવા કે ઓછા ભાવમાં નોટ બદલનારાઓ પાસે જવાના બદલે નજીકની બેંક શાખામાં જઈને જરૂર બદલાવી લો.
