નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2026: રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના પબ્લિક ટ્રસ્ટ કાયદાઓની બંધારણીય માન્યતાને પડકારતી બે રિટ પિટિશન આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ બંને અરજીઓને અગાઉથી પેન્ડિંગ રહેલા ‘શ્રી દયાનંદ સરસ્વતી’ કેસ સાથે જોડવામાં આવી છે.
બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી આ અરજીઓમાં: ” ગીતાર્થ ગંગા” ટ્રસ્ટે રાજસ્થાન પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1959 ને પડકાર્યો છે.જ્યારે “જ્યોત” ટ્રસ્ટે મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 અને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 2011 ના કાયદાને પડકાર્યા છે.
આ બંને અરજદાર ટ્રસ્ટો ભગવાન મહાવીર સ્વામીના 79મા પટ્ટધર, જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ ચાલે છે. અગાઉ સબરીમાલા કેસની 9 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ પણ આ જ ટ્રસ્ટોએ જૈન ધર્મનો પક્ષ રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી. વી. નાગરથના અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે બંને અરજીઓની સુનાવણી કરી હતી. ત્યારબાદ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુંડુચેરીના ટ્રસ્ટ કાયદાઓ સામે સ્વામી દયાનંદ સરસ્વતીએ કરેલી અરજી સાથે જ આ કેસને પણ જોડી દેવાનો આદેશ આપ્યો હતો.
અંગ્રેજોના સમયના કાયદાનો વિરોધ
અરજદાર ટ્રસ્ટ વતી સીનિયર એડવોકેટ દેવદત્ત કામતે દલીલ કરી હતી કે અંગ્રેજોના શાસન પહેલાં ભારતના તમામ ધર્મો (જેમ કે વૈદિક, જૈન, બૌદ્ધ) સ્વતંત્ર અને સ્વ-શાસિત હતા. ધાર્મિક સંસ્થાઓ પોતાના વિવાદો જાતે ઉકેલતી અને સરકારના હસ્તક્ષેપ વગર ચાલી રહી હતી.
પરંતુ, અંગ્રેજોના શાસન દરમિયાન લાવવામાં આવેલા ‘ટ્રસ્ટ લો’ ના માળખાએ આ પરંપરા તોડી નાખી. દરેક મંદિર કે ધાર્મિક સ્થળને એક સ્વતંત્ર “ટ્રસ્ટ” બનાવી દેવાયું અને ધાર્મિક સત્તા પર સરકારી/બિનસાંપ્રદાયિક સત્તા સ્થાપિત કરી દેવાઈ. આઝાદી પછી પણ આ પરિસ્થિતિ બદલાઈ નથી, બલ્કે સરકારી નિયંત્રણ વધતું ગયું છે. હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના સ્વદેશી ન્યાયશાસ્ત્ર અને ધાર્મિક સ્વાયત્તતા તરફ પાછું ફરે.
અરજદારો વતી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત અને એડવોકેટ ઋષભ સંચેતીએ કોર્ટમાં પક્ષ મૂક્યો હતો.
8 ટ્રસ્ટ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી
અત્યાર સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુંડુચેરી જેવા રાજ્યોના ટ્રસ્ટ કાયદાઓ સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ ચૂક્યા છે. કર્ણાટક ટ્રસ્ટ એક્ટ અંગે તો કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ પછીથી સબરીમાલા રેફરન્સનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ ચુકાદો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
આમ, બંધારણની કલમ 25 અને 26 હેઠળ દેશના કુલ 8 ટ્રસ્ટ કાયદાઓ સુપ્રીમ કોર્ટમાં પડકાર હેઠળ છે. આ તમામ કેસોનું ભવિષ્ય મોટાભાગે સબરીમાલા પુનઃસમીક્ષા (રિવ્યુ) કેસના ચુકાદા પર નિર્ભર રહેશે.
