લક્ઝુરિયસ કારમાં આવ્યા, બિલ્ડરની ગાડી ઘેરીને કર્યો હુમલો! ₹2.50 કરોડ માગ્યા, ‘મારી નાખીશું’ની ધમકી

Spread the love

6 ઓગસ્ટના રોજ સાંજના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ્સ ચલાવતા 34 વર્ષીય બિલ્ડર તરૂણકુમાર પટેલ પર કાર આંતરી જીવલેણ હુમલો કરાયો હતો. ઝુંડાલમાં સિગ્નોર હેરીટેજ અને સ્વસ્તિક સ્કેવર વચ્ચે નંબર પ્લેટ વગરની કાળા રંગની ફોર્ચ્યુનર અને એક્સયુવી કારમાં આવી હુમલાખોરોએ બિલ્ડરની કારને ઘેરી લઈ જૂના બાનાખતના હવાલાથી રૂ. 2.50 કરોડની ખંડણી માંગી હતી. આ ચકચારી ઘટના અંગે અડાલજ પોલીસ સ્ટેશન ખાતે કડીના દિનેશ દેસાઈ તથા વિજય દેસાઈ સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

 

બિલ્ડરની કાર પર બેઝબોલના દંડાથી હુમલો મળતી માહિતી મુજબ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા બિલ્ડર તરુણકુમાર જયસુખભાઈ પટેલ ઝુંડાલ ખાતે ‘સત્યાગ્રહ લેન્ડ માર્ક’ અને ‘સત્યાગ્રહ એલીવેટ’ સહિતની કન્સ્ટ્રક્શન સાઇટોમાં ભાગીદાર છે. ઘટનાના દિવસે પોતાની હ્યુન્ડાઈ અલકાઝાર કારમાં સાઇટ પરથી ઘરે જતા હતા, ત્યારે હુમલાખોરોએ બેઝબોલના દંડા સાથે તેમની કાર પર હુમલો કર્યો હતો.

બાનાખતના બદલામાં અઢી કરોડની માંગ

 

કાર ઓટો-લોક હોવાથી અંદર પ્રવેશ ન મળતા તેમણે કારના કાચ અને બોનેટ પર દંડા ફટકારી તોડફોડ કરી હતી. બિલ્ડરે કાચ થોડો નીચે કરતા જ હુમલાખોરોએ ગાળો ભાંડી વર્ષ 2020ના જૂના લખાણ કે બાનાખતના બદલામાં અઢી કરોડ રૂપિયા ચૂકવવા અથવા સાઇટ પર આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

આ હુમલો પૂર્વ આયોજિત કાવતરું

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલો પૂર્વ આયોજિત કાવતરું હતું. આ ઘટનાના પાંચ દિવસ અગાઉ એટલે કે 1 ઓગસ્ટના રોજ કડીના કાસ્વા ગામના દિનેશ રાયમલભાઈ દેસાઈ અને વિજય દેસાઈ બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે સત્યાગ્રહ લેન્ડ માર્ક સાઇટ અંગે અઢી કરોડ રૂપિયાની માંગણી કરી B.U. પરમિશન કેન્સલ કરાવવાની અને જોઈ લેવાની ધમકી આપી હતી. અડાલજ પોલીસે આ મામલે મિલકત પચાવી પાડવા, રસ્તામાં અવરોધ ઊભો કરવા, ધમકી આપવા તથા જાહેરનામાના ભંગને લઈ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *