ગાંધીનગરના રાયસણમાં પંડિત દીનદયાલ ઊર્જા યુનિવર્સિટી (PDEU) કેમ્પસમાં ચુસ્ત સિક્યુરિટી અને સીસીટીવી કેમેરા હોવાના દાવા વચ્ચે સુરક્ષા વ્યવસ્થાના ધાંધિયા છતા થયા છે. માત્ર અડધા કલાકના ટૂંકા સમયગાળામાં ઇ-બ્લોકના પ્રથમ અને બીજા માળેથી ચાર વિદ્યાર્થીઓના કુલ રૂ. 1.80 લાખની કિંમતના લેપટોપ ચોરાઈ ગયા હતા. સંસ્થા કક્ષાએથી કોઈ સુરાગ કે પરિણામ ન મળતાં આખરે પીડિત વિદ્યાર્થીઓએ ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના પાલડી ખાતે રહેતા અને B.Tech EC સેમેસ્ટર-7માં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી કેવિન સુનીલકુમાર શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 3 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે તેણે પોતાની બેગ ઇ-બ્લોકના બીજા માળે આવેલી લેબ નંબર 211 બહાર કબાટમાં મૂકી હતી. જેમાં રૂ. 50 હજારની કિંમતનું લેપટોપ હતું. સાડા નવ વાગ્યે લેબ આસિસ્ટન્ટે લેપટોપ ચકાસવા કહેતાં કેવિનની બેગમાંથી લેપટોપ ગાયબ મળ્યું હતું.
અડધા જ કલાકમાં તસ્કરો ચાર લેપટોપ ચોરી તપાસ કરતા સામે આવ્યું કે, માત્ર કેવિન જ નહીં પરંતુ અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ તસ્કરીનો શિકાર બન્યા હતા. જેમાં પ્રથમ માળની લેબ નંબર 115 બહારથી નિશીલ પટેલનું રૂ. 30 હજારનું અને ઋત્વિકા વણકરનું રૂ. 60 હજારનું લેપટોપ, તેમજ લેબ નંબર 112 બહારથી મહેક પટેલનું રૂ. 40 હજારનું નોટબુક લેપટોપ ગાયબ થયું હતું. આમ અડધા જ કલાકમાં તસ્કરો ચાર લેપટોપ ચોરીને ફરાર થઈ ગયા હતા.
લાખો રૂપિયાની ફી વસૂલતી નામાંકિત સંસ્થામાં દિવસદહાળે બનેલી આ ઘટનાએ સિક્યુરિટી અને મેનેજમેન્ટની ઘોર નિષ્ક્રિયતા છતી કરી છે. ઘટનાના દિવસો વીતી જવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ પરિણામ ન અપાતાં વિદ્યાર્થીઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.