અમદાવાદ, તા.8 રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીની કડક અમલવારી સુનિશ્ચિત કરવા સંદર્ભે ચાલી રહેલી જાહેરહિતની રિટ અરજી પર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ખંડપીઠ સમક્ષ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ સુનાવણી દરમિયાન પાર્ટી ઇન પર્સન એડવોકેટ અમિત પંચાલે બાલવાડી તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમની મર્યાદાઓ તરફ અદાલતનું વિશેષ ધ્યાન દોર્યું હતું, જેના પગલે હાઇકોર્ટે રાજ્યમાં ફાયર વિભાગની કામગીરી અને અધિકારીઓની ખાલી જગ્યાઓ સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા.અરજદારપક્ષ દ્વારા અદાલતને જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન નિયમો અનુસાર પાંચસો ચોરસ મીટરથી નાની ફટાકડાની દુકાનો માટે ફાયર એનઓસી અનિવાર્ય હોતી નથી, એટલું જ નહીં પરંતુ ચાર વર્ષથી નાની વયના બાળકો માટે ધમધમતી બાલવાડીઓમાં પણ નિયમિત ફાયર ઇન્સ્પેક્શન થતું નથી.
આ પ્રકારની છૂટછાટો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને જો સમયસર નિયમોમાં સુધારો કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જીવલેણ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ રજૂઆતના જવાબમાં રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આગામી સમયમાં અમદાવાદ કોમનવેલ્થ જેવી વૈશ્વિક ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને નવા કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (સીજીડીસીઆર) અમલમાં મૂકવામાં આવશે.
નવી જોગવાઈઓ અંતર્ગત ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી રાખવાનો નિયમ લાવવાની વિચારણા છે, જેથી આગ જેવી કટોકટીની સ્થિતિમાં લોકો સુરક્ષિત જગ્યાએ એકત્ર થઈ શકે અને તેમનું સરળતાથી રેસ્ક્યુ થઈ શકે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસમાં લાંબા સમયથી કાયમી ડિરેક્ટરની નિમણૂંક ન થવા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી જવાબ માંગ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં સરકાર દ્વારા ટૂંક સમયમાં જ કાયમી ડિરેક્ટરની નિયુક્તિ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ સાથે અદાલતે ચાલુ દિવસો દરમિયાન પણ જાહેર સ્થળોએ સતત ફાયર મોકડ્રીલ યોજવા માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું. રાજ્ય સરકારે ફાયર સર્વિસના ત્રિસ્તરીય વહીવટી માળખાની માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા સ્તરે મ્યુનિસિપલ કમિશનર, નગરપાલિકા સ્તરે અર્બન ડેવલપમેન્ટ વિભાગ અને ગ્રામ્ય સ્તરે ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા દર પંદર દિવસે ફાયર સેફ્ટીની સમીક્ષા બેઠકો યોજવામાં આવે છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે આ કેસની આગામી સુનાવણી મુકરર કરી છે.
