ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ : રાજ્યમાં 10,000થી વધુ વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો

Spread the love

અમદાવાદ, તા.8 રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદ વચ્ચે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિરલ આર. મહેતાએ એક મહત્ત્વના વચગાળાના આદેશ મારફતે રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે લીલીઝંડી આપી દીધી છે. હાઇકોર્ટના આ હુકમને કારણે રાજ્યમાં આશરે દસ હજારથી વધુ વિદ્યાસહાયકોની નિમણૂકનો રસ્તો સાફ થઈ ગયો છે.અગાઉ રાજ્યમાં ટેટ-1 પરીક્ષાના આધારે વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભરતી પ્રક્રિયા દરમિયાન કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા અને ભરતીના નિયમો સામે વાંધો ઉઠાવીને અસંખ્ય ઉમેદવારોએ હાઇકોર્ટમાં રિટ અરજીઓ દાખલ કરી હતી. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી અને હજારો યોગ્યતા ધરાવતા ઉમેદવારોની નિમણૂકો અટકી ગઈ હતી.

 

આ કાનૂની વિવાદનો અંત લાવવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ એક વિશિષ્ટ વચગાળાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કુલ 11,000 જગ્યાઓની ભરતી સામે હાઇકોર્ટમાં અરજી કરનાર 700 જેટલા ઉમેદવારોની જગ્યાઓ હાલ પૂરતી અનામત રાખવામાં આવશે અને બાકીની તમામ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા આગળ વધારવાની પરવાનગી આપવામાં આવે. જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

 

સરકારપક્ષ તરફથી અદાલતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અદાલતમાં અરજી કરનાર તમામ ઉમેદવારોના હિતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા આગામી વર્ષ 2027 દરમિયાન વધુ 5,000 જેટલી નવી જગ્યાઓ પર ભરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 

જેથી હાલ અરજી કરનાર ઉમેદવારો માટે પણ ભવિષ્યમાં પૂરતી તકો ઉપલબ્ધ રહેશે. તમામ *ખ7ઊંને સાંભળ્યા બાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો, જેનાથી હજારો ઉમેદવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *